મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

પૂણેમાં ૧૫ દિવસમાં એક જ પરિવારના તમામ સભ્યોને કોરોના ભરખી ગયો

મમ્મી પછી બે દીકરા અને એક દીકરીનું કોરોનાથી મોત થઈ ગયું: પરિવાર હતો ના હતો થઈ ગયો

પૂણે, તા.૨૦: ભારતમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેની સાથે મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં કેટલીક ભયાનક સ્થિતિ વિશે જાણીને લોકો ધ્રૂજી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂણેમાં બનેલી દ્યટનામાં ૧૫ દિવસમાં પરિવારના તમામ સભ્યોનું મોત થઈ ગયું છે. આ દ્યટના વિશે જાણીને શહેરમાં લોકોની આંખો ભીની થઈ રહી છે.

બે અઠવાડિયા પહેલા એક સભ્યનું કોરોનાથી મૃત્યુ થયા બાદ પ્રાર્થના સભામાં એકઠા થયેલા બાકીના ચાર સભ્યોનું પણ ૧૫ જ દિવસની અંદર મોત થઈ ગયું હતું.

મૃતકોમાં અલ્કા જાધવ (૬૨) અને તેમના બે પુત્ર રોહિત (૩૮), અતુલ (૪૦) અને એક પુત્રી વૈશાલી ગાયકવાડ (૪૩)નો સમાવેશ થાય છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અલ્કા જાધવના પતિ શંકર જાધવનું ૧૫ જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું અને બે મહિના પછી પરિવારના અન્ય સભ્યોને કોરોના ભરખી ગયો છે. અલ્કાબેન પછી રોહિતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી એક બાદ એક અન્ય સભ્યો સપડાતા ગયા અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વૈશાલી ગાયકવાડનું ૩૦ માર્ચના રોજ નિધન થયા બાદ, ૩ એપ્રિલના રોજ રોહિત જાધવ, ૪ એપ્રિલે અલ્કા ઝાધવ, ૧૪ એપ્રિલે અતુલ જાધવનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાથી આખા શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે.

(4:07 pm IST)