મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

રાજકોટમાં આજે ૬૬ મોતઃ ૩૦૪ કેસ

કુલ કેસનો આંક ૨૭,૬૮૬ દિન સુધીમાં ૨૨,૪૫૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૧.૯૯ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૭ પૈકી ૧૦ કોવિડ ડેથઃ હાલમાં ૪૭૯૬ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: શહેર - જિલ્લામાં  દિવસે ને દિવસે કોરોના કેસ અને મૃત્યુનો આંકનો ગ્રાફ  ઘટવાનો નામ લેતો સારૂ. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૬૬ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૩૦૪ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૯નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૦નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૬ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૬૭ પૈકી ૧૦ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૨૦  બેડ ખાલી છે.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ ત્રેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૭,૬૮૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૨,૪૫૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૨,૧૮૫  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૬૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૪૪ ટકા થયો  હતો. જયારે ૪૭૯ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૮,૭૪,૮૨૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૭,૬૮૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૩ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૭૯૬  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:59 pm IST)