મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં : રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને જોતા હવે સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. આ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓ ચીફ સાથે વાત કરી છે

રાજનાથસિંહે દરેકને કોવિડ-19 સંકટ દરમિયાન નાગરિકો માટે સુવિધાઓ અને કુશળતા પૂરી પાડવા જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફને કહ્યું હતું કે, સેનાનાં સ્થાનિક કમાન્ડરે મુખ્ય પ્રધાનો સાથે વાત કરી તમામ શક્ય મદદ કરવી જોઈએ. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. ઓક્સિજન સિલિન્ડરોનાં અભાવથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમની રચના કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે થઈ શકે છે. વળી તે કોરોનાનાં દર્દીઓ માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થશે.

(11:33 am IST)