મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

વડાપ્રધાન મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર રોક : ચૂંટણી પંચે આપ્યો આદેશ

ઇરોઝ નાઉને તેના દરેક મીડિયમમાંથી વેબ સીરિઝના એપિસોડ્સનું સ્ટ્રીમિંગ બંધ કરવાનું કહ્યું

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ પર રોક લગાવ્યા બાદ ચૂંટણી પંચે હવે નરેન્દ્રભાઈ  મોદીના જીવન પર આધારિત વેબ સીરિઝ Modi-Journey of a Common Man પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. શનિવારે ચૂંટણી પંચે એક આદેશમાં ઇરોઝ નાઉને તેના દરેક મીડિયમમાંથી વેબ સીરિઝના એપિસોડ્સનું સ્ટ્રીમિંગ બંધ કરવાનું કહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોય સ્ટારર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર ભાઈ મોદીની રિલીઝ પર ચૂંટણી પંચે ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા પ્રતિબંધ ફરમાવ્યો હતો. ફિલ્મ પહેલા 12 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે તેવો આરોપ હતો. ફિલ્મ પર પ્રતિબંધ બાદ હવે વેબ સીરિઝ પર પણ રોક લગાવાઇ છે. એએનઆઇએ ટ્વિટના માધ્યમથી જાણકારી આપી હતી.

  નોંધનીય છે કે ચૂંટણીપંચે પ્રકારની કોઇપણ રાજનૈતિક ફિલ્મ પર રોક લગાવી છે. જો કે મોદીની બાયોપિકનો મામલો ઇલેકશન કમિશનમાં અટક્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં ચૂંટણી પંચ પાસેથી બાયોપિકને લઇને 19 એપ્રિલ સુધી રિપોર્ટ માંગ્યો હતો પરંતુ ગુડ ફ્રાઇડેની રજા હોવાથી હવે સુપ્રીમકોર્ટ 22 એપ્રિલના રોજ મામલે સુનાવણી કરશે.

પીએમ મોદી પર બનનારી વેબ સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઇ ચૂક્યા છે. ચૂંટણી પર તેની રિલીઝને ડાયરેકટરે એક માત્ર સંયોગ કહ્યું છે. સીરિઝ પર 11 મહિનાથી કામ ચાલતું હતું. પરંતુ ટેકનિકલ સમસ્યાઓને કારણે સ્ટ્રીમિંગમાં સમય લાગ્યો હતો.

(9:33 pm IST)