મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

ટ્રમ્પ સામે મહાભિયોગ ખટલાની માગઃ અમેરિકામાં મૂલર રિપોર્ટનો વિવાદ જોર પકડે છે

અમેરિકામાં ૨૦૧૬ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ પર રિપોર્ટ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિપક્ષી ડેમોક્રેટ્સનું દબાણ યથાવત છે.

ડેમોક્રેટ્સ માંગણી કરી રહ્યા છે કે આ રિપોર્ટ તૈયાર કરનાર રોબર્ટ મૂલર કોંગ્રેસ સામે હાજર થાય અને આ રિપોર્ટ વિશે જાહેરમાં નિવેદન નોંધાવે.  ગુરુવારે આ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ સંપાદિત રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂલરને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસ કર્યા હતા.

આ રિપોર્ટમાં મુજબ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર અને રશિયા વચ્ચે કોઈ ગુનાહિત સાંઠગાંઠ જોવા મળી નથી પણ તેઓ કાયદાકીય ચોકસાઈ સાથે એ નથી કહી શકતા કે ડોનાલ્ડ ટ્રમ્પે આ તપાસમાં અડચણ ઊભી કરી નહોતી.

આ રિપોર્ટ અંગે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ એક નોટિસ પાઠવીને સંપૂર્ણં રિપોર્ટની માગ કરી છે.

ડેમોક્રેટ નેતા અને સદનની ન્યાયિક સમિતિના ચેરમેન જેરી નેડલરે કહ્યું કે તેઓ રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ પર વિશ્વાસ કરી શકે તેમ નથી.

શુક્રવારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એલિઝાબેથ વોરેને ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની માગ કરી હતી.

મૂલરના રિપોર્ટમાં કહેવાયું છે, ''તથ્યોની પૂર્ણ તપાસ બાદ જો અમને એવો વિશ્વાસ હોત કે રાષ્ટ્રપતિએ ન્યાયમાં અડચણ ઊભી નથી કરી, તો અમે એવું કહી શકયા હોત. પણ અમે તથ્યોના આધારે અને કાયદાકીય સ્તરે એવું કહી શકતા. નથી''

તે મુજબ, આ રિપોર્ટમાં એ તારણ કાઢવામાં નથી આવ્યું કે રાષ્ટ્રપતિએ અપરાધ કર્યો છે પરંતુ તેમને દોષમુકત પણ કરવામાં આવ્યા નથી.

જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય ટીમ આ રિપોર્ટને પોતાનો 'સંપુર્ણ વિજય' કહે છે.

(3:43 pm IST)