મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

સોપોરમાં મુઠભેડઃ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો

વિસ્તારો ઘેરાવો કરી સર્ર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ, તા.૨૦: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે શનિવારે સવારે મુઠભેડ થઈ હતી. આ દરમિયાન ઘણા રાઉન્ડ ગોળીબાર ચાલ્યા. સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો છે અને વિસ્તારનો દ્યેરાવો કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, શનિવારે સવારે સેનાની ૩૨RR ટીમ સોપોરના વાટરગામમાં સર્ચ કરી રહી હતી. ત્યારે છાપો મારવામાં આવ્યો અને આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. થોડીવાર સુધી ચાલેલા ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો છે.

સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીની પાસેથી એક પિસ્તોલ અને ત્રણ હાથગોળા જપ્ત કરવામાં આવ્યા છે. તમામ આતંકીઓની ઓળખ હજુ થઈ શકી નથી. હાલ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અગાઉ ૧૨ એપ્રિલે શોપિયાંમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ગહંડ વિસ્તારમાં મુઠભેડ બાદ સેનાને આ સફળતા મળી હતી. ૬ એપ્રિલે પણ શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા, જયારે ૨૮ માર્ચે પણ સુરક્ષાદળોએ શોપિયાં અને હંડવાડામાં ૫ આતંકીઓને ઠાર કર્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી સુરક્ષાદળો જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યા છે. આ વર્ષે માર્ચ સુધીમાં ૬૦ કરતા વધુ આતંકીઓ માર્યા ગયા છે.(૨૨.૧૭)

(3:45 pm IST)