મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

ઓહોહો.... કોંગ્રેસના ઉમેદવાર પર ૨૦૪ કેસ તો ભાજપના ઉમેદવાર પર ૨૪૦ કેસ

ત્રીજા તબક્કામાં દાગીઓનો રાફડોઃ કુલ ૧૬૧૨ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છેઃ કોંગ્રેસના ૯૦માંથી ૪૦, ભાજપમાંથી ૯૭માંથી ૩૮, બસપાના ૯૨માંથી ૧૬, સીપીએમના ૧૯માંથી ૧૧, શિવસેનાના ૨૨માંથી ૭, સપાના ૧૦માંથી ૫, એનસીપીના ૧૦માંથી ૬ અને તૃણમૂલના ૯માંથી ૪ ઉમેદવારોઃ ૪૯ ટકા ઉમેદવારો ૧૨ સુધી પાસ છેઃ મહિલા ઉમેદવારની સંખ્યા ૧૪૨: કુલ ૩૪૦ એટલે કે ૨૧ ટકા ઉમેદવારોનો ક્રિમીનલ રેકોર્ડઃ સૌથી અમીર ઉમેદવાર સપાના દેવેન્દ્રસિંહ યાદવ છેઃ સંપત્તિ ૨૦૪ કરોડ

નવી દિલ્હી, તા. ૨૦ :. મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન છે. જેમા ઉભેલા ૧૬૧૨માંથી ૧૫૯૪ ઉમેદવારોના આપરાધિક, શૈક્ષણિક, આર્થિક રેકોર્ડનું વિશ્લેષણ કરી રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે. એડીઆરના રીપોર્ટ અનુસાર કોંગ્રેસના ૯૦માંથી ૪૦ એવા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. જેમના ઉપર ગુનાહીત કેસ ચાલુ છે. ભાજપમાં આવા ૯૭માંથી ૩૮ છે. આ સિવાય બસપાએ ૯૨માંથી ૧૬, સીપીએમ એ ૧૯માંથી ૧૧, શિવસેનાએ ૨૨માંથી ૭, સપાએ ૧૦માંથી ૫, એનસીપીએ ૧૦માંથી ૬ અને તૃણમૂલે ૯માંથી ૪ બાગી ઉમેદવારોને ટીકીટ આપી છે.

ત્રીજા તબક્કામાં જે ૧૧૫ બેઠકો પર ચૂંટણી યોજવાની છે એમાં ૬૩ રેડ એલર્ટમાં છે, એટલે કે ત્યાં ૩ કે ૩થી વધુ દાગી ઉમેદવારો ચૂંટણી લડે છે. મહારાષ્ટ્રના માઢામાં કુલ ૩૧ ઉમેદવારો ઉભા છે. જેમાથી ૧૨ દાગી છે. સાંગલી અને પૂણેમાં ૯ તથા ૮ દાગી ઉમેદવારો છે. કેરળની પટનમથીટ્ટા બેઠકથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્રમ પર ૨૪૦ કેસ છે. જેમાથી ૧૨૯ જઘન્ય અપરાધ છે. કેરળના જ ઈડુકક્કી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુરીયાકોસ પર ૨૦૪ કેસ છે. જેમા ૩૭ જઘન્ય અપરાધ છે. બિહારની મધેપુરા બેઠક પર જનઅધિકાર પાર્ટીના રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ ઉપર ૩૧ કેસ છે. તેમના પર ૩૬ જઘન્ય અપરાધની કલમો લાગેલી છે.

ત્રીજા તબક્કામાં ૭૮૮ એટલે કે ૪૯ ટકા ઉમેદવારો ૫ થી ૧૨મુ પાસ છે. ૬૮૧ ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. જે ૪૩ ટકા છે. ૫૭ ઉમેદવારો ફકત સાક્ષર અને ૨૩ નિરીક્ષર છે. ૧૬૧૨માંથી ૧૪૨ મહિલા ઉમેદવારો છે. ૫૬૨ ઉમેદવારો ૨૫ થી ૪૦ વર્ષના, ૭૬૦ ઉમેદવારો ૪૧ થી ૬૦ વર્ષના અને ૨૬૫ ઉમેદવારો ૬૧ થી ૮૦ વર્ષના છે. ૩૪૦ એટલે કે ૨૧ ટકા ઉમેદવારોનો અપરાધીક રેકોર્ડ છે.

કુલ ૨૫ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ ૨.૯૫ કરોડ છે. સપાના દેવેન્દ્રસિંહ યાદવ પાસે ૨૦૪ કરોડ છે. જ્યારે સતારાથી એનસીપીના ઉદયન રાજે પાસે ૧૯૯ કરોડ છે. બરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણસિંહ પાસે ૧૪૭ કરોડ છે.

સૌથી વધુ ક્રિમીનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજુ છે. ગુજરાતની ૧૩ બેઠકોના ઉમેદવારોએ પોતાના પર ક્રિમીનલ કેસ હોવાનું જણાવ્યુ છે.

(10:08 am IST)