મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

સીજેઆઈ સામે મહાભિયોગ પ્રસ્તાવ કોંગ્રેસ દ્વારા લવાયો

વિપક્ષી દળોએ એકજુટ થઇને પ્રસ્તાવ સોંપ્યોઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મિટિંગ કરી વિપક્ષી દળો દ્વારા પ્રસ્તાવ સોંપાયો : પ્રસ્તાવને મંજુર કરવાની માંગણી

નવીદિલ્હી, તા.૨૦: જજ બીએચ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ ફરી એકવાર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વિરુદ્ધ મહાભિયોગને આગળ વધારવામાં લાગી ગઈ છે.  રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં વિપક્ષી દળોએ મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સોપ્યો હતો. મિટિંગ બાદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અમે મિટિંગ દરમિયાન ૫ આધારો આપીને મહાભિયોગના પ્રસ્તાવ અંગે મંજુરીની માંગ કરી છે. મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને સોંપી દીધો છે અને પ્રસ્તાવ મંજુર કરવાની માંગ કરી છે. કોંગ્રેસના મહાભિયોગ પ્રસ્તાવ  પર એનસીપી, સીપીઆઈ, એસબી, બીએસપી અને મુસ્લિમ લીગના પણ હસ્તાક્ષર છે. આને લઇને કોંગ્રેસે વિપક્ષી દળોની મિટિંગ બોલાવી હતી પરંતુ તમિળનાડુના મુખ્ય વિપક્ષી ડીએમકે અને બંગાળની સત્તાધારી ટીએમસીએ આ બેઠકની અવગણના કરી હતી. એટલું જ નહીં પરંતુ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરના સમાજવાદી પાર્ટી પણ મિટિંગથી દૂર રહી હતી. મિડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આરજેડી પણ વિપક્ષી દળોની મિટિંગમાં ઉપસ્થિત રહી ન હતી પરંતુ જાણવા મળી રહ્યું છે કે, આરજેડીએ પણ મહાભિયોગના સમર્થનમાં વાત કરી ચુક્યા છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, અમે લોકો આ પ્રસ્તાવ એક અઠવાડિયા પહેલા જ રજૂ કરવા માંગતા હતા. જો કે, ઉપરાષ્ટ્રપતિ પાસે સમય જ ન હતો. આજે અમે રાજ્યસભાની ૭ રાજનીતિક પાર્ટીઓ સાથે મળીને રાજ્યસભા ચેરમેનને મહાભિયોગનો પ્રસ્તાવ સોંપ્યો છે. જો કે ફરી પણ તે જરૂરી સંખ્યા કરતા વધારે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ ૫ બિંદુઓના આધાર પર રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, સંવિધાન હેઠળ જો કોઇ જજ દુર્વ્યવહાર કરે છે તો સંસદનો અધિકાર છે કે તેની તપાસ થવી જોઇએ. સિબ્બલે ઉમેર્યું હતું કે, અમે પોતાના પત્રમાં લખ્યું છે  કદાચ અમે તે દિવસ ન જોવો પડે. તે અંગે સુપ્રીમ કોર્ટના ૪ જજોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સિબ્બલે જણાવ્યું હતુ ંકે, અમારી પાસે મહાભિયોગ લાવવા ઉપરાંત કોઇ બીજો રસ્તો નથી. સિબ્બલે ઉમેર્યું હતું કે, અમને આશા હતી કે જજોની જે નારાજગી છે તે તમામને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કેટલાક ફેરફાર આવશે પરંતુ એવું ન થયું. જે મુદ્દાઓને ધ્યાનમાં રાખતા તે મહાભિયોગ લાવવામાં આવ્યો છે તેમાં પહેલો પ્રસ્તાવ એજ્યુકેશનલ કેસનો છે.

કયા કયા પાંચ બિંદુઓ...

જજ બીએચ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ ફરી એકવાર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વિરુદ્ધ મહાભિયોગને આગળ વધારવામાં લાગી ગઈ છે.  રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં વિપક્ષી દળોએ મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સોપ્યો હતો.

*   સુપ્રીમ કોર્ટના જજોએ મિડિયા સમક્ષ આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી

*   ચીફ જસ્ટિસના પ્રશાસનિક ચુકાદાને લઇને ખુબ જ નારાજગી હતી. બેંક ડેટિંગનો આક્ષેપ

*   મિડિયા સમક્ષ આવેલા ચાર જજ જણાવવા માંગતા કે સુપ્રીમ કોર્ટમાં તમામ બાબતો વ્યવસ્થિત ચાલી રહી નથી

*   જમીનનું અધિગ્રહણ કરવું, બનાવટી એફિડેવિટ લગાવવું અને સુપ્રીમ કોર્ટના જજ બન્યા બાદ ૨૦૧૩માં જમીનને સેરેન્ડર કરવી

*   ચીફ જસ્ટિસ નિષ્પક્ષતા માટે ઓળખાય તે જરૂરી. જજ લોયા અને પ્રસાદ ઇન્સ્ટીટ્યુટને લઇને વિવાદ થયો હતો

(7:42 pm IST)