મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

કોંગી મહાભિયોગને રાજનીતિક હથિયાર બનાવે છે : નાણામંત્રી

પ્રસ્તાવને લઇને ભાજપ-કોંગ્રેસ આમને સામનેઃ આ પ્રસ્તાવને બદલાના અરજી તરીકે ગણાવ્યો : મામલાને હળવાશ લેવો ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે : જેટલી

નવીદિલ્હી, તા.૨૦: ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રહારો તીવ્ર થયા છે. આ સમગ્ર મામલા પર ભાજપે કોંગ્રેસ પર બંધારણનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા ન્યાયતંત્રને લઇને સતત રાજનીતિ ચાલી રહી છે. વિપક્ષ કોર્ટ પર દબાણ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે નાણામંત્રી અરુણ જેટલીએ પણ વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓ મહાભિયોગને હથિયાર બનાવી જજને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક પર એક ટ્વિટ કરીને જજો પર મહાભિયોગને લઇને તીવ્ર પ્રહારો કર્યા હતા. જેટલીએ મહાભિયોગને બદલાની અરજી તરીકે ગણાવતા કહ્યું હતું કે, આ સમગ્ર મામલાને હળવાશથી લેવો તે ખતરનાક હોઈ શકે છે. આ સમગ્ર પ્રકરણ ન્યાયતંત્રની આઝાદી માટે ખતરા સમાન છે. જેટલીએ જજ લોયાના મૃત્યુને લઇને ગઇકાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પોસ્ટ કર્યું છે.

 તેમણે જણાવ્યું હતું કે, ૧૧૪ પાનાના આ ચુકાદાને વાંચો, જેને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે લખ્યું છે. નાણામંત્રીએ સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરથી લઇને અમિત શાહ અને જજ લોયાના મોતની વિસ્તારપૂર્વક માહિતી આપી છે.પોતાના પોસ્ટમાં નાણામંત્રી અરુણ જેટલીએ જજ લોયાનામોતને લઇને કારવાં મેગેઝિનમા પ્રકાશિત લેખને બનાવટી ન્યૂઝ તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલો સકાર અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પ્રતિષ્ઠાને ખરડવા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે ચીફ જસ્ટિસના મહાભિયોગના મુદ્દાને ગંભીર મામલા તરીકે ગણાવતા પોસ્ટ કર્યું હતું કે, આ મુદ્દાને હળવાશથી લેવું ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. તમામ રાજનીતિક દળોએ આની ગંભીરતાને સમજવી જોઇએ.

(7:40 pm IST)