કર્ણાટકમાં બુકીબજારમાં ભાજપ છે હોટ ફેવરીટ
કોંગ્રેસી અને ત્રિશંકુની વાતનો છેદ પણ ઉડાવ્યો !!
બેંગ્લોર, તા. ૨૦ :. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી સરકાર રચશે અથવા ત્રિશંકુ સરકાર બનશે તેવી વાત વચ્ચે બુકીબજારે કોથળામાંથી બિલાડુ કાઢવા જેવી વાત કરીને કોંગ્રેસ અને દેવગૌડા છાવણીમાં હતાશા ફેલાય તેવી વાત કરીને ભાજપને હોટફેવરીટની સીટ પર બેસાડતા ઉત્તેજના જાગી છે.
અગાઉ ઓપિનિયન પોલ અને અમુક સર્વેમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ હતી. પરિણામે જનતા દળ-એસની છાવણી જાણે કીંગમેકર બની ગઈ હોય તે ઉત્સાહમાં આવી ગઈ હતી. કોંગ્રેસ અને દેવગૌડા પરિવારની છાવણીનો ઉત્સાહ ભાંગી નાખે તેવી આગાહી બુકીબજારે કરી છે અને કર્ણાટકમાં ભાજપ સત્તા હાંસલ કરશે તેમ કહી કોંગ્રેસનો ઘોડા પાછળ છે તેવા ચૂંટણી સટ્ટાના ભાવો કાઢતા ઉત્તેજના જાગી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બુકીબજારની આગામી મુજબના જ આવ્યા હતા ત્યારે કર્ણાટકમાં બુકીબજારના વર્તારાની ભારે ઉત્તેજના જાગી છે.
બુકીબજાર એવું નોંધે છે કે, કર્ણાટકમાં હજુ સુધી નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાનમાં સક્રીય રીતે ઉતર્યા નથી. તેમનુ કર્ણાટકમાં આગમન થતા જ વાતાવરણ એક તરફી બની જશે.(૨-૪)