મુખ્ય સમાચાર
News of Friday, 20th March 2020

આખી રાત સૂઈ ન શકયા ચારેય નરાધમ, પવન અને અક્ષય મરતા પહેલા જમ્યા પણ નહીં: બેચેન રહ્યાં

નવી દિલ્હી, તા.૨૦: નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે ફાંસી પર લટકાવી દેવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લી રાત્રે મુકેશ, અક્ષય, વિનય અને પવનને ઉંઘ નહોતી આવી. મરતા પહેલા મુકેશ અને વિનયે ડિનર કર્યું હતું, જયારે પવન અને અક્ષય આખી રાત બેચેન રહ્યા હતા. જેલતંત્ર દ્વારા ચારેયને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા હતા. ૨૪ કલાક પહેલા તેમનું મોનિટરિંગ શરુ કરી દેવાયું હતું.

ફાંસીથી બચવા અનેક તરકીબો અપનાવી ચૂકેલા આ ચારેય નરાધમ છેલ્લી ઘડીએ પોતાને ઈજા પહોંચાડી ફાંસીથી બચવા પ્રયાસ કરી શકે છે તેવી આશંકાએ જેલના અધિકારીઓ તેમના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. જેના માટે ૧૫ ટીમો બનાવવામાં આવી હતી. ગુરુવારે સાંજે ફાંસીની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, અને ડોકટરે તેમને ચકાસીને ચારેય ફાંસી આપવા માટે ફિટ હોવાનું જણાવ્યું હતું.

આખી રાત સૂઈ ન શકેલા ચારેય નરાધમોને વહેલી સવારે સેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, અને તેમને નહાઈ લેવા કહેવાયું હતું. ફાંસી પર ચઢાવતા પહેલા તેમના કપડાં પણ બદલવામાં આવ્યા હતા. સવારે ૫.૧૫ કલાકે તેમને ફાંસીઘરમાં લવાયા હતા, અને ફાંસીના માંચડે ઉભા રાખવામાં આવ્યા હતા. ફાંસીએ ચઢવામાં તેઓ કોઈ પ્રતિકાર ન કરે તે માટે તેમના હાથપગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. ૫.૨૫ કલાકે તેમના ગળામાં ફંદો લગાવવામાં આવ્યો હતો, અને બરાબર સાડા પાંચે તેમને લટકાવી દેવાયા હતા.

(10:23 am IST)