મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

શિકાગોમાં ઓવરસીસ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટર અનવયે ચાય પે ચર્ચાના યોજવામાં આવેલ કાર્યક્રમમાં ૧૭પ જેટલા ભારતીય સમાજના આગેવાનોએ આપેલી હાજરી અને તમામ લોકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારોને પોતાના સ્‍નેહીજનોના મતો મળે તે અંગેની જરૂરી કાર્યવાહી કરવા કરવામાં આવેલો અનુરોધઃ ભારતીય સમાજના આગેવાન અને કર્ણધાર ડો. ભરત બારાઇએ સમગ્ર ચર્ચાનો દોર પોતાના હસ્‍તક લઇ સંપૂર્ણ વિગતો રજુ કરી બીજેપીના ઉમેદવારોને મતો આપવા જરૂરી વ્‍યવસ્‍થા કરવા આગ્રહભરી વિનંતી કરીઃ ગોવાના મુખ્‍યમંત્રી મનોહર પારિકરનું તાજેતરમાં નિધન થતા તેમને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવીઃ સીનીયર સંસ્‍થાના પ્રમુખો રમણભાઇ પટેલ તથા હરિભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચનો કર્યા

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : ભારતમાં આવતા મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તે વેળા અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમાજના રહીશો ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે સહાયરૂપ થઇ શકે તે માટે ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટર દ્વારા એક ચાય પે ચર્ચાનું આયોજન કેરોલ સ્‍ટ્રીમ ટાઉનમાં આવેલ રાણા રેગેન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં માર્ચ મહીનાની ૧૭મી તારીખને રવીવારે કરવામાં આવ્‍યું હતું. તે વેળા શિકાગોમાં વસવાટ કરતા ૧૭પ જેટલા ભાઇ-બહેનોએ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટરના કો-ઓર્ડીનેટર રોહિતભાઇ જોષીના સ્‍વાગત પ્રવચનથી થઇ હતી અને તેમણે હાજર રહેલા ભારતીય સમાજના પરિવારોના સભ્‍યોને આવકાર આપી ભારતમાં થનારી લોકસભાની ચૂંટણી અંગે આછેરો ખ્‍યાલ આપ્‍યો હતો અને તેમણે હાજર રહેલા સૌ ભાઇ-બહેનોને વિનંતી કરી હતી કે ભારતમાં વસવાટ કરતા તેમના પરિવારના સભ્‍યો તથા મિત્રોને ફોન દ્વારા બીજેપીને પોતાનો મત આપવા માટે વિનંતી કરી હતી.

ત્‍યારબાદ ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપીના જનરલ સેક્રેટરી અમરભાઇ ઉપાધ્‍યાયે ભારતમાં છેલ્લા સાડા ચાર વર્ષના સમયગાળા દરમ્‍યાન બીજેપીએ પ્રજાલક્ષી કાર્યો કરેલા છે અને તેનાથી થયેલ ફાયદાઓની વિડિયો ક્‍લીપ દર્શાવી હતી અને તેમણે પણ આગામી ચૂંટણીમાં બીજેપીને મતો મળે તે માટેના સતત પ્રયાસો કરવા હાકલ કરી હતી.

શિકાગોમાં ભારતીય સમાજના આગેવાન અને તમામ ક્ષેત્રે અગ્રગણીય ભાગ ભજવનાર એવા ડો. ભરતભાઇ બારાઇએ પોતાના લાક્ષણીક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને બીજેપીના અગ્રણી ડો. મુરલી મનોહર જોષી આજથી ૨૬ વર્ષ પહેલા સને ૧૯૯૩ના વર્ષ દરમ્‍યાન તે વખતે પોતાની પાર્ટીના પ્રચાર માટે અમેરીકાના પ્રવાસે આવ્‍યા હતા ત્‍યારે તેઓ બન્‍ને જણા મારા નિવાસસ્‍થાને રહ્યા હતા અને તે સમયે પોતાની સાથે ફક્‍ત બે જોડ કપડા લાવ્‍યા હતા. તેમની સાદગી તે સમયે કેવા પ્રકારની હતી તેનો ખ્‍યાલ આપણને આવી શકે. દરરોજ સવારે અમો સાથે બેસીને ચાના સમયે દેશની પરિસ્‍થિતિ શી હતી તેની ચર્ચા કરતા હતા અને દેશની ધુરા કેવા પ્રકારની હોવી જોઇએ તે અંગે તેમણે પોતાનું દ્રષ્‍ટિબિંદુ રજુ કર્યુ હતું. ડો. બારાઇએ પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્‍યું હતું કે નરેન્‍દ્રભાઇ એવું માનતચા હતા કે ભારત દેશની તમામ વ્‍યવસ્‍થા ખાડે ગયેલી છે અને સમગ્ર દેશમાં જે પ્રકારનું કાર્ય થવું જોઇએ તે થતુ ન હતું અને તેઓ આવી રીતે સમગ્ર દેશનો વિચાર કરી વ્‍યથીત થતા હતા.

સદ્‌ભાગ્‍યે તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી થયા અને અવારનવાર મારે તેમને ગાંધીનગરમાં મળવાનું થતુ અને તેમના સમયગાળા દરમ્‍યાન અનેક પ્રગતિશીલ ફેરફારો કરીને ગુજરાતમાં નવીન ક્રાંતિના ગણેશની શરૂઆત કરી. જે ભ્રષ્‍ટ અધીકારીઓ હતા તેમને પોતાની જગ્‍યાએથી બદલી કરીને અન્‍ય નવીન જગ્‍યાએ મુક્‍યા હતા અને તે દ્વારા ભ્રષ્‍ટાચારને નાબુદ કરવાનો પ્રયાસ તેમણે હાથ ધર્યો હતો.

પોતાના પ્રવચનના અંતમાં ડો. ભરત બારાઇએ જણાવ્‍યું હતું કે હાલમાં તેઓ સાડાચાર વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કરી રહ્યા છે અને તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરીને તમામ દેશોના અગ્રણીઓને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરેલ છે અને તેમાં તેમણે સફળતા પણ મેળવેલ છે. આ સમયગાળા દરમ્‍યાન તેમણે વિદેશ નીતિઓમાં ધરમુળથી ફેરફારો કરેલ છે જે આપણા દેશ માટે અતિ મહત્‍વની બીના છે એવું તેમણે જણાવ્‍યું હતું. ભારતમાં વસતા પોતાના પરિવારના સભ્‍યોને ફોન દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારોને મત આપવા જણાવવા વિનંતી કરી હતી. અંતમાં તેમણે હાજર રહેલા તમામ લોકોને મૈં ભી NRI ચોકીદાર બનીને તે દિશામાં આગળની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

આ વેળા યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના પ્રમુખ રમણભાઇ પટેલ તથા ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના પ્રમુખ હરિભાઇ પટેલે પણ પ્રાસંગીક પ્રવચનો કરી તમામ સભ્‍યોને. આગામી લોકસભાની ચૂંટણી અંગે સજાગ બની તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે યુવાન કાર્યકર નિરવ પટેલ, હેમંત પટેલ, કલ્‍પેશ દેસાઇ, રાકેશ મલહોત્રા, શ્રીનિવાસ બોડિગે, નિમલા રેડ્ડી, અંજુ શર્મા, મેઘા જોશી, રાજબાબુ ચિગુરૂપત્તિ તેમજ અન્‍યજનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

આ સભામાં ખેડા જિલ્લાના બીજેપીના લોકસભાના સભ્‍ય દેવુસીંહ ચૌહાણે પણ નડીયાદથી વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા પોતાના વિચારો પ્રદર્શીત કર્યા હતા અને છેલ્લા સાડાચાર વર્ષના સમય દરમ્‍યાન કેન્‍દ્ર સરકાર ેપ્રજાલક્ષી જે કાર્યો કરેલ તેની સંપૂર્ણપણે વિગતો રજુ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને મતો મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા સૌની હાકલ કરી હતી.

શરૂઆતમાં ગોવાના મુખ્‍યમંત્રી મનોહર પારિકરનું નિધન થતા તેમના આત્‍માને શાંતિ મળે તે માટે એક મીનીટનું મૌન પાળવામાં આવ્‍યું હતું અને તેની સાથે સાથે NRI4NAMO.ORG પોર્ટલનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્‍યું હતું.

(6:26 pm IST)