મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

છતીસગઢમાં ભાજપે તમામ ૧૧ સાંસદોની બાદબાકી કરી નાખતા ગુજરાતના સાંસદોમાં ફફડાટ

સૌરાષ્ટ્રના બે સાંસદો એકથી વધુ વખત ચૂંટાયેલા છે, બાકીના બધા પ્રથમ વખત : છવીસે છવીસ બેઠકો જીતવા અણધારી 'થિયરી' આવી શકે

રાજકોટ, તા., ૨૦: લોકસભાની ચુંટણીની છતીસગઢની બેઠકો માટે ભાજપે નો-રીપીટની થીયરી અપનાવતા ગુજરાતના ભાજપના સાંસદોમાં ઉચાટ વ્યાપી ગયાનું જાણવા મળે છે. છતીસગઢમાં લોકસભાની ૧૧ બેઠકો છે. ર૦૧૪ માં ત્યાં ભાજપના ઉમેદવારો ચુંટાયેલા. ર૦૧૯ની ચુંટણીમાં ભાજપે તમામ ૧૧ સાંસદોની ટીકીટ કાપી નવા ચહેરા પસંદ કર્યાનું બહાર આવતા ગુજરાત સહિત અન્ય રાજયોમાં આ થીયરી લાગુ પડવાની શકયતા ડોકાવા લાગી છે.

ગઇ લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપને તમામ ર૬ બેઠકો પર વિજય મળેલ. આ વખતે પણ ભાજપે તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાંસદ સામેની લોકોની નારાજગી હોય તો તે ઉમેદવાર બદલવાથી દુર થઇ શકે તેવું પાર્ટીના મોભીઓનું માનવું છે. તેથી છતીસગઢમાં નો-રીપીટ થીયરી અપનાવેલ. છતીસગઢમાં જે પધ્ધતી અપનાવી તે જ પધ્ધતી ગુજરાતમાં અપનાવવામાં આવે તેવું માનવાનું કોઇ દેખીતું કારણ નથી છતાં ચુંટણી જીતવા માટે મોદી-શાહ કોઇ પણ થીયરી અપનાવી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિઠ્ઠલભાઇ રાદડીયા અને અમરેલીના નારણભાઇ કાછડીયા એકથી વધુ વખત ચુંટાયેલા છે. બાકીના હાલના તમામ સાંસદો પ્રથમ વખત જ ચુંટાયા છે.

(3:48 pm IST)