મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

રોની સ્ક્રુવાલાએ આઇનોક્ષ સહિત મલ્ટીપ્લેકસો ઉપર કેસ ઠપકાર્યો

ફિલ્મો દર્શાવવાના ચાર્જીસમાં ભેદભાવઃ વિદેશી ફિલ્મોને માફીઃ ભારતીય ફિલ્મો પાસેથી મોટો ચાર્જ લેવાય છે : આઇનોક્ષ-પીવીઆર- સીને પોલીસ અને કાર્નીવલ મલ્ટી પ્લેકસ ચેઇન સીનેઘરો ઉપર કોમ્પીટીશન ઓફ ઇન્ડિયામાં પીટીશન દાખલ કરી

મુંબઇ તા.૨૦: વર્ચ્યુઅલ પ્રિન્ટ ફીમાં ભેદભાવ રાખવા માટે, રોની સ્ક્રુવાલાએ કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયામાં ચાર મલ્ટીપ્લેક્ષ ચેઇન- પીવીઆર, આયનોક્ષ, સીને પોલીસ અને કાર્નિવલ સામે કેસ દાખલ કર્યો છે. ફિલ્મ નિર્માતાએ પોતાની પીટીશનમાં ફરિયાદ કરી છે કે આ મલ્ટીપ્લેક્ષો દરેક થીયેટરમાં દર્શાવવા માટે ભારતીય ફિલ્મ નિર્માતા/ ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી તરીકે ૨૦,૦૦૦ રૂપિયા લે છે. તેણે જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્ષ ચેઇન આ ભેદભાવ ભર્યા કઠોર ચાર્જ દબાણપૂર્વક ઉઘરાવે છે.

૨૦૧૦માં નિર્માતાઓ, વિતરકો સાથે નક્કી થયા મુજબ ફિઝીકલ પ્રિન્ટની જગ્યાએ ડીજીટલ પ્રિન્ટ દર્શાવવા માટેની ફી પાંચ વર્ષ માટે (ડીસેમ્બર ૨૦૧૫ સુધી) નક્કી કરવામાં આવી હતી. પણ કરાયેલી ફરિયાદ અનુસાર મોૈખિક સમજુતીથી તેમાં બે વાર વધારો કરીને ડીસેમ્બર ૨૦૧૭ સુધી વધારવામાં આવી હતી. પીટીશનમાં જણાવ્યા પ્રમાણે તેમણે હિન્દી અને રીજીયોનલ ફિલ્મોના ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી વીપીએફ લેવાનું ચાલુ રાખ્યું છે. જયારે હોલીવુડ ફિલ્મો ભલે તે ડબ કરેલી હોય તેમને વીપીએફ માંથી મુકિત આપવામાં આવી છે. પીટીશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આના લીધે ભારતીય ફિલ્મો સામે તેમને મોટો ફાયદો મળે છે.પીટીશનમાં ઉદાહરણ તરીકે આમીરખાનની દંગલનું નામ આપવામાં આવ્યું છે જેનું નિર્માણ ડીઝનીએ કર્યું હતું અને તેમની પાસેથી આ ચાર્જ નહોતો લેવામાં આવ્યો. ભારતીય નિર્માતાઓ માટે આ અન્યાય છે.

સ્ક્રુવાલાએ અરજીમાં કહયું હતું કે તેની ફિલ્મ લવ પર સ્કવેર ફ્રુટ ને ડીજીટલી પ્રદર્શીત કરવાનું તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. તેની ૮ કરોડના બજેટની ફિલ્મને પ્રદર્શિત કરવાનો ખર્ચ ૭ કરોડ થતો હતો જે તેના નફા ૨.૩૫ કરોડ કરતા ઘણો વધારે હતો. જો તે ચુકવવામાં આવે તો તેનું સાહસ ખોટમાં પરિણમે તેમ હતું.

(3:32 pm IST)