મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

પુરૂષ કામદારોની સંખ્યા ઘટી રહી છેઃ સરકારે છૂપાવ્યો રોજગારી અંગેનો રીપોર્ટ

૧૯૯૩-૯૪ બાદ ૨૦૧૭-૧૮માં પુરૂષ કામદારોની સંખ્યામાં ૨૮.૬ કરોડનો ઘટાડો આવ્યોઃ ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં ૪.૭ કરોડ રોજગાર સમાપ્ત થયા જે સાઉદી અરેબીયાની કુલ વસ્તીથી પણ વધુ છે : ગ્રામીણ વિસ્તારોમાં ૪.૩ કરોડ નોકરીઓ ઓછી થઈઃ શહેરી વિસ્તારોમાં ૪૦ લાખ નોકરીઓ સમાપ્ત થઈઃ ગ્રામીણ વિસ્તારોમાં મહિલા રોજગારમાં ૬૮ ટકા તો શહેરોમાં પુરૂષ કામદારોના રોજગારમાં ૯૬ ટકાનો ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૦ :. કેન્દ્રની મોદી સરકાર રોજગારીના મુદ્દા પર વિપક્ષોના નિશાના પર છે. સત્તામાં આવ્યા પહેલા ભાજપે દર વર્ષે યુવાનોને કરોડો રોજગાર આપવાનું એલાન કર્યુ હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ સરકાર આ વચન પુરૂ કરવામાં નિષ્ફળ રહી હતી. હવે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના એક રીપોર્ટમાં જણાવાયુ છે કે, દેશમાં પુરૂષ કામદારોની સંખ્યા ઘટી રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, વર્ષ ૧૯૯૩-૯૪ પછી ૨૦૧૭-૧૮માં પુરૂષ કામદારોની સંખ્યામાં ૨૮.૬ કરોડનો ઘટાડો થયો છે. વર્ષ ૧૯૯૩-૯૪માં આ સંખ્યા ૨૧.૯ કરોડ હતી તો ૨૦૧૧-૧૨માં આ આંકડો ૩૦.૪ કરોડનો હતો. આ સર્વે સેમ્પલથી જણાય છે કે, છેલ્લા ૫ વર્ષ દરમિયાન દેશમાં રોજગારીની તક અત્યંત ઓછી રહી છે.

ખાસ વાત એ છે કે, સરકારે આ રીપોર્ટને જારી કરવાનું અટકાવી દીધુ છે. માનવામાં આવે છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. અહેવાલો મળે છે કે સરકારના આ પગલાના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટીકલ કમિશનના કાર્યવાહક ચેરપર્સન મોહનન અને એક સભ્ય મિનાક્ષીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ રીપોર્ટમાં દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોનો અલગ અલગ ડેટા પણ અપાયો છે જે મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૭.૧ ટકા રહ્યો છે તો ગ્રામીણ વિસ્તારમાં આ આંકડો ૫.૮ ટકા છે. ઓળખ ન જાહેર કરવાની શરતે એક નિષ્ણાંતે કહ્યુ હતુ કે હજુ આ ડેટાનો વધુ અભ્યાસ કરવાનો બાકી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે નોકરીમાં ઘટાડો થયો છે અને રોજગારીની નવી તકો પેદા નથી થઈ.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ડેટા અનુસાર ૨૦૧૧-૧૨માં અને વર્ષ ૨૦૧૭-૧૮ વચ્ચે દેશના ગ્રામીણ વિસ્તારોમાં ૪.૩ કરોડ નોકરીઓ ઓછી થઈ છે. આ દરમિયાન શહેરી વિસ્તારોમાં ૪૦ લાખ નોકરીઓ ઘટી છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા રોજગારીમાં ૬૮ ટકાનો ઘટાડો થયો છે. શહેરોમાં પુરૂષ કામદારોના રોજગારમાં ૯૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં દેશમાં કુલ ૪.૭ કરોડ રોજગારી ઘટી છે જે સાઉદી અરેબીયાની કુલ વસ્તીથી પણ વધુ છે.

રીપોર્ટ અનુસાર ટેકનીકલ શિક્ષણ મેળવનાર કામદારોના ટકામાં પણ ઘટાડો નોંધાયો છે. જેની સીધી અસર રોજગારી પર પડી છે.

 

(11:48 am IST)