મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

કોરોના વાયરસે દેશભરમાં ફરી એકવાર માથુ ઉંચક્યું : લોકડાઉન-રાત્રી કરફ્યૂના ભણકારા !

મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડામાં ઝડપી વધારો

નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં વધારો થઇ રહ્યો છે કોરોના વાયરસે ફરી માથુ ઉચકવાનું શરૂ કરી દીધું છે. દેશમાં ફરીથી કોરોનાના વધતા આંકડા ડરાવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના દર્દીની સંખ્યા 14 હજારની નજીક પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર માં તો બે શહેરોમાં લોકડાઉન લગાવવાની સ્થિતિ ઉભી થઈ છે.

ભારતમાં કોરોના વાયરસના વધતા ગ્રાફનો અંદાજ આ સ્થિતિ પરથી જ લગાવી શકાય. દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડા તેજીથી વધી રહ્યા છે.

ભારતમાં કોરોનાના 13,993 કેસ નોંધાયા હતા જે ગત 27 દિવસોમાં સૌથી વધુ છે. આ દરમિયાન 101 લોકોના મોત નીપજ્યા છે. જોકે, બીજી તરફ રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાની રસી સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે.

વેક્સીન અને લોકોની સાવચેતીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાને સ્થિતિ થાળે પડી રહી હતી. અર્થતંત્ર અને જનજીવન પણ પાટા પર ચડી રહ્યું હતું પરંતુ અચાનક જ કોરોનાના કેસોમાં વધારો થવા લાગતા લોકો અને સરકારમાં ચિંતા પેઠી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6,112 નવા કેસ નોંધાયા હતાં. જ્યારે 2,159 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે 44 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં હજી 44 હજાર 765 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસના 297 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત મળી કુલ લોકોની સંખ્યા વધીને 2,58,871 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીથી વધુ બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે જ મૃત્યુઆંક 3,846 પર પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના 52 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓમાં કોઈ કેસ શુક્રવારે મળ્યા નથી. વાયરસના ચેપનો એક જ નવો કેસ થયો. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના નવા 126 કેસ શુક્રવારે એકલા ઈન્દોરમાં જ નોંધાયા હતાં, જ્યારે ભોપાલમાં 68 નવા કેસ નોંધાયા હતાં.

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા 266 કેસ નોંધાયા હતાં. જેની સામે 277 દર્દીઓ સાજા થયા હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4404 થયો હતો. રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,893 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

(10:21 pm IST)