મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

વેક્સિન લીધાના સપ્તાહમાં આંગણવાડી મહિલાનું મોત

કોરોના વેક્સિનને લઈને આઘાતજનક સમાચાર : મણીપુરના મુખ્યમંત્રીએ પરિવારની મુલાકાત લઈ પીએમ બાદ કારણ જાણ્યા પછી વળતર આપવા સાંત્વના પાઠવી

ઈમ્ફાલ, તા.૨૦ : કોરોના રસી લીધા બાદ એક સપ્તાહમાં મણીપુરમાં ૪૮ વર્ષીય આંગણવાડી મહિલા કાર્યકરનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. મહિલા આંગણવાડી કાર્યકરે કોવિડ ૧૯ વેક્સિન ડોઝનો હજુ પ્રથમ ડોઝ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વિષ્ણુપુર જિલ્લામાં કુંબી ટેરખા વિસ્તારમાં રહેતી ડબલ્યુ સુંદરી દેવીએ ૧૨ ફેબ્રુઆરીના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લીધો હતો. ૧૮ ફેબ્રુઆરીના તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા તેને મોઈરાંગ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે તેનું નિધન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વિશેષ ટીમ દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃત્યુ અંગેનું કારણ જાણી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મૃતકના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી હતી. ઉપરાંત તેમણે પીએમ રિપોર્ટ બાદ યોગ્ય વળતર આપવાની પણ ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ ટવ્ટી કરીને જણાવ્યું હતું કે, કુંબી ટેરખા ગામના આંગણવાડી કાર્યકર્તાના નિધનના અહેવાલ બાદ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને વળતર અંગે નિર્ણય લેવાશે. મોત માટે જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવા જણાવાયું છે. વિષ્ણુપુરના ડેપ્યુટી કમિશ્નર નીતા અબ્રાહામે જણાવ્યું હતું કે, મૃતકે તેમના પરિવારજનોને કહ્યું હતું કે, રસીકરણ વખતે સુંદરીએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેને એલર્જી છે. જો કે તેમ છતા રસીકરણ હાથ ધરાયું હતું.

(8:41 pm IST)