મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

મુંબઇ ફરી કોરોનાના ભરડામાં : ૮૦૦થી વધુ કેસ : થર્ડ વેવ ?

લોકો બેદરકાર બન્યા : માસ્ક પહેરવાનું ભૂલ્યા : સોશ્યલ ડિસ્ટન્સીંગની ઐસી કી તૈસી : લોકડાઉનના ભણકારા

મુંબઇ તા. ૨૦ : દેશના આ આર્થિક પાટનગરમાં ફરી કોરોનાનો ભય ફેલાવો શરૂ થઇ ગયો છે. ગઇકાલે રાત સુધીમાં મુંબઇમાં ફરી એકવાર ૨૪ કલાકમાં ૮૦૦થી વધુ કોરોના કેસ નોંધાતા ફરી લોકડાઉન આવી રહ્યાના એંધાણ મળે છે. મુંબઇમાં કોરોનાનો થર્ડ વેવ શરૂ થયાનું મનાય છે. આજે સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૬૧૦૦ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા, સામે રીકવરી માત્ર ૨૧૫૯ની છે.

છેલ્લા ૨ાા મહિના (૭૭ દિવસ) પછી પ્રથમ વખત ૮૦૦નો આંક વળોટી જવાયો છે. અને ગઇકાલે એક જ દિવસમાં ૮૨૩ નવા કોરોના દર્દી નોંધાયા છે. આ પૂર્વે ૪ ડિસેમ્બરે સૌથી વધુ ૮૧૩ નવા કોરોના કેસ નોંધાયા હતા.

કોરોના દર્દીઓની સંખ્યામાં વધારા સાથે કોરોના દર્દીનો આંક ડબલ થવાનો સમય પણ વધી ગયો છે તે ચોંકાવનારૃં છે.

ગઇકાલે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા એક દિવસમાં ભયજનક રીતે વધીને ૬૧૧૨ થઇ ગઇ છે. સામે મુંબઇના સાડા ચારસો સહિત માત્ર ૨૧૫૯ કોરોના દર્દી સાજા થયા છે. ગઇકાલે મુંબઇનો કુલ મૃત્યુઆંક પાંચનો થયો જ્યારે મહારાષ્ટ્રનો મૃત્યુઆંક ૪૪નો હતો.

ટ્રેનો ખુલ્લી મુકી દેવાઇ, લોકો બિલકુલ ડર અને માસ્ક વિના ફરવા લાગ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સીંગની ઐસી કી તૈસી કરવા લાગ્યા છે અને કોરોના પ્રોટોકોલની ધજ્જીયા ઉડાવવા લાગ્યા હોઇ કોરોના ફરી ભયજનક વધવા લાગ્યો છે. હવે મુંબઇ કોર્પોરેશન જાગી છે અને આકરા પગલા શરૂ કર્યા છે, કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારી દીધી છે. અત્યારે દરરોજ ૨૦-૨૨ હજાર ટેસ્ટીંગ કરવામાં આવે છે.

છેલ્લા એક અઠવાડિયામાં સતત ૫૦૦-૬૦૦ આસપાસ દર્દી નોંધાય છે. જો કે મૃત્યુની સંખ્યા વધી નથી તે મોટી રાહત છે.

(11:31 am IST)