મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

સરકાર 15 દિવસમાં દેશમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર શરુ કરશે. : નીતિન ગડકરીની મોટી જાહેરાત

સામાન્ય રીતે ટ્રેક્ટરના ખર્ચમાં 55 ટકાનો ઘટાડો આવી શકે : ખેડૂતોને થશે ફાયદો

પેટ્રોલ અને ડીઝલ પરનું અવલંબન ઘટાડવા માટે મોદી સરકારે હવે કમર કસી છે, તે હવે દેશમાં ઇલેક્ટ્રિક ટ્રેકટરો ઉતારવા જઇ રહી છે. આની જાહેરાત ખુદ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી હતી. આજે નીતિન ગડકરીએ 'ગો ઇલેક્ટ્રિક' અભિયાનના પ્રારંભ સમયે કહ્યું હતું કે, સરકાર આગામી 15 દિવસમાં દેશમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર શરૂ કરશે. આ સિવાય તેમણે સરકારના તમામ મંત્રાલયો અને વિભાગના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ફરજિયાત બનાવવાની પણ વાત કરી હતી.

ગડકરીએ એમ પણ સૂચન કર્યું હતું કે સરકારે ઘરોમાં એલપીજી ખરીદવા માટે ટેકો આપવાના બદલે ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા સબસિડી આપવી જોઈએ. ગડકરીએ સૂચન કર્યું હતું કે તમામ સરકારી અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ.

મહત્વનું છે કે તાજેતરમાં જ દેશના પ્રથમ સીએનજી સંચાલિત ટ્રેક્ટરને  નીતિન ગડકરીએ  લોન્ચ કર્યું હતું. આ એક ડીઝલ ટ્રેક્ટર છે જેને સીએનજીમાં ફેરવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું પહેલું ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નું જ છે, જેને સીએનજીમાં ફેરવવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે આ ટ્રેક્ટરના ઉપયોગથી સામાન્ય રીતે ટ્રેક્ટરના ખર્ચમાં 55 ટકાનો ઘટાડો આવી શકે છે. 

ઇલેક્ટ્રિક ટ્રેક્ટર  સાથે સંકળાયેલ તકનીકી સુવિધાઓ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. આજે નીતિન ગડકરીએ કહ્યું છે કે, આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 'ગો ઇલેક્ટ્રિક' અભિયાનના આરંભ સમયે રજૂ કરવામાં આવશે અને આ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હશે.

ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સમાં કંપનીએ આઈપી 67 સ્ટાન્ડર્ડની 25.5 કેડબલ્યુની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કર્યો છે. જેનો સામાન્ય રીતે ડીઝલ ટ્રેકટરના ખર્ચના એક ક્વાર્ટર કરતા પણ ઓછા સમયમાં ઉપયોગ કરી શકાય છે. આ ટ્રેક્ટરની પ્રારંભિક કિંમત માત્ર 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.ઘરેલું સોકેટથી જ આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને સરળતાથી ચાર્જ કરી શકાય છે, તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે લગભગ 10 કલાકનો સમય લે છે

(12:00 am IST)