મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

પંજાબ-હરિયાણામાં જીયોના ગ્રાહક ઘટ્યા, અન્યોને લાભ

ખેડૂત આંદોલનથી રિલાયન્સ જીઓને ભારે નુકસાન : પંજાબમાં જીઓના ૧.૪૦ કરોડ ગ્રાહકો હતા, આ સંખ્યા ડિસે.માં ઘટી ૧.૨૪ કરોડ થઈ, BSNLના ગ્રાહક વધ્યા

નવી દિલ્હી, તા. ૧૯ : ખેડૂત આંદોલનના કારણે પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જીઓને નુકસાન થયુ છે.રિલાયન્સ જીઓના ગ્રાહકોમાં ઘટાડો થયો છે અને તેનો ફાયદો વોડાફોન તેમજ એરટેલને મળ્યો છે. નવેમ્બર મહિનામાં જીઓના હરિયાણામાં ૯૪.૪૮ લાખ ગ્રાહકો હતા.જે ડિસેમ્બરમાં ઘટીને ૮૯.૦૭ લાખ થયા છે.જ્યારે એરટેલ પાસે નવેમ્બરમાં ૪૯.૫૬ લાખ ગ્રાહકો હતા.જે ડિસેમ્બરમાં વધીને ૫૦.૭૯ લાખ થયા છે.જ્યારે વોડાફોનના ગ્રાહકો ૮૦.૨૩ લાખથી વધીને ૮૦.૪૨ લાખ પર પહોંચ્યા છે.

પંજાબની વાત કરવામાં આવે તો જીઓના ૧.૪૦ કરોડ ગ્રાહકો હતા અને આ સંખ્યા ડિસેમ્બરમાં ઘટીને ૧.૨૪ કરોડ થઈ છે.જ્યારે વોડાફોનના ૮૬.૪૨ લાખ ગ્રાહકો વધીને ૮૭.૧૧ લાખ થયા છે.એરટેલના ૧.૦૫ કરોડ ગ્રાહોક હતા જે વધીને ૧.૦૬ કરોડ થઈ ચુક્યા છે. સરકારી કંપની બીએસએનએલના ગ્રાહકોમાં પણ ડિસેમ્બર મહિનામાં વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સતત આરોપ મુકી રહ્યા છે કે, મોદી સરકારે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો કરાવવા માટે નવા કાયદા લાગુ કર્યા છે.ખેડૂત યુનિયનનો આરોપ છે કે રિલાયન્સ હરિયાણા અને પંજાબમાં જમીન ખરીદી રહી છે .જેના પર તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ખાનગી બજારો ઉભા કરવા માંગે છે. આંદોલન દરમિયાન પંજાબમાં રિલાયન્સ જીઓના ટાવરના ઈલેક્ટ્રિક કનેક્શનો કાપી નાંખવાની ઘટનાઓ પણ બની હતી.

(12:00 am IST)