મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

શ્રીનગરમાં પોલીસ ટુકડી ઉપર હુમલામાં બે જવાન શહિદ થયા

શ્રીનગરના બાગ બારજુલ્લા વિસ્તારમાં ધોળા દિવસે આતંકી હુમલો : ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં ભરચક બજારમાં એક આતંકી એકે-૪૭થી અંધાધૂંધ ફાયરિંગ કરતો નજરે પડે છે

શ્રીનગર, તા. ૧૯  : જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બાગ બારજુલ્લા વિસ્તારમાં આતંકીએ ધોળા દિવસે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના બે જવાન શહીદ થઈ ગયા છે. પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એક શંકાસ્પદ પણ પકડાયો છે. ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ભરચક બજારમાં એક આતંકી એકે-૪૭થી અંધાધૂંધ ફાયરિંગ કરતો નજરે પડે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીની ઓળખ કોન્સ્ટેબલ સુહેલ અહેમદ અને મોહમ્મદ યુસુફ તરીકે થઈ છે. પોલીસ ટીમમાં આતંકવાદીના બેફામ હુમલોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ૫ સેકન્ડના આ વિડીયોમાં જોવા મળે છે કે એક આતંકવાદી એકે ૪૭ સાથે બજારમાં પ્રવેશ્યો હતો અને ત્યાં ઉભેલા પોલીસ કર્મચારી પર પાછળથી ગોળીબાર કર્યો હતો. આ પછી તે ત્યાંથી ભાગવા લાગ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન ટીઆરએફએ આ હુમલાની જવાબદારી લીધી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે પુષ્ટિ કરી હતી કે શુક્રવારે બપોરે આતંકીઓએ કરેલી ફાયરિંગમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયા છે, જેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન બંને પોલીસકર્મીઓને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ત્રણ દિવસમાં આ પ્રકારની આ બીજી ઘટના છે, આ સમગ્ર ઘટનાક્રમ એક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જમ્મુ-કાશ્મિરનાં કોન્સ્ટેબલ સોહેલ અને મોહમ્મદ યુસુફ શહેરનાં બાઘટ બારજુલા એશિયાનાં એક ટી સ્ટોલ પર ઉભા હતા ત્યારે જ આ હુમલો થયો, હુમલામાં ઘાયલ બંને પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેનું મોત થઇ ગયું.

પોલીસ પાર્ટી પર આતંકી હુમલા બાદ એક સીસીટીવી ફુટેજ પણ બહાર આવ્યું છે, જેમાં એક આતંકી એકે-૪૭ લઇને દોડતો જોવા મળી રહ્યો છે, મહત્વની બાબત એ છે કે આતંકી માર્કેટ વચ્ચે જોવા મળી રહ્યો છે, આ આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે,

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોની શોધ માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું છે, બાઘર બારજુલા એરિયા અતિસુરક્ષાવાળા એરપોર્ટ રોડ પર છે, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે બાગહાટ હુમલામાં એક શંકાસ્પદની ઓળખ ધ રેજીસ્ટેન્સ ફ્રન્ટ સાથે સંકળાયેલા આતંકી સાકિબ મંઝુર તરીકે થઇ છે, સાકિબ, શ્રીનગરનાં બારજુલાનાં બાગહાટ વિસ્તારનો રહેવાસી છે. શ્રીનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારનો આ બીજો હુમલો છે.

(12:00 am IST)