મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

કૌભાંડી નિરવ મોદીની ૧૧ર વૈભવી ચીજોની થશે હરરાજીઃ કરોડો રૂપિયા મળવાની સંભાવના

મુંબઇ તા. ર૦: એન્ફોર્સમેન્ટ ડીરેકટરોટ (ઇડી) દ્વારા નિમવામાં આવેલ આંતર રાષ્ટ્રીય ઓકશન હાઉસ સેફ્રોન આર્ટ હિરાના વેપારી નિરવ મોદીની જપ્ત કરવામાં આવેલી ૧૧ર લકઝરી અસ્કયામતોની ઓનલાઇન અને ઓફ લાઇન હરરાજી કરશે.

આ નિલામી હેઠળની લકઝરી આઇટમોમાં એક રોલ્સ રોઇસ ઘોસ્ટ, એમએફહુસેન, અમૃતાશેર-ગીલ, વીએસ ગાયતોડે અને અન્ય આધુનિક ચિત્રકારના ચિત્રો સામેલ છે.

૪૮ વર્ષના નિરવમ ોદી ઉપર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડી અને મની લોન્ડ્રીંગના આરોપો છે અને હાલમાં તે લંડનની વાન્ડસવર્થ જેલમાં છે.

ર૭ ફેબ્રુઆરીએ સેફ્રોન ઓકશન હાઉસ ખાતે જીવંત નિલામી યોજાઇ છે. જયારે ઓનલાઇન નિલામીનું આયોજન ૩ અને ૪ માર્ચે કરવામાં આવ્યું છે. એક વર્ષ પહેલા સેફ્રોન આર્ટે નિરવ મોદી પાસે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી ૬૮ કલાકૃતિઓની નિલામી કરીને પ૪.૮૪ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.

આગામી નિલામીમાં નિરવ મોદી પાસેથી જપ્ત કરવામાં આવેલી ૧૧ર લકઝરી આઇટમોની હરરાજી કરવામાં આવશે. જેમાં ભારતના કલાકારોની કિંમતી કલાકૃતિઓ, ચેનલ, હર્મસ, લુઇસ વુઇટન અને સેલાઇન જેવી પ્રખ્યાત કંપનીઓની હેન્ડબેગ્સ, એક કાર્ટીયર એસાયમેટ્રીક ક્રેશ કાંડા ઘડીયાળ અને પોર્શે પેનામેરા કારનો સમાવેશ થાય છે.

(3:44 pm IST)