મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

કાશ્મીરના ૫૦થી વધુ નેતાઓને છોડી મુકશે પ્રશાસન

જો કે ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને છોડવા બાબતે સતત ભેદી મૌન

જમ્મુ, તા. ર૦ : પંચાયતી ચૂંટણીઓને સુરક્ષાના નામે સ્થગિત કર્યા પછી હવે પ્રશાસને નેતાઓને છોડવાની કવાયત ઝડપી બનાવી છે. પ્રશાસને પોતે સંકેતો આપ્યા છે કે જેમના પર પીએસએ લગાવીને જમ્મુ-કાશ્મીર અને બહારની જેલોમાં રાખવામાં આવ્યા છે. તેવા પ૦ નેતાઓને છોડવાની પ્રક્રિયા ઝડપી બનાવવાાં આવી છે. જો કે ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, ભૂતપૂર્વ આઇએએસ શાહ ફૈઝલ સહિત લગભગ ડઝન જેટલા અન્ય નેતાઓને છોડવા બાબતે મૌન ધારણ કર્યુ છે.

રાજભવનના સૂત્રો અનુસાર, પીએસએ હેઠળ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાંથી હિરાસતમાં લેવાયેલા કેટલાક આરોપીઓને પ્રશાસન છોડી શકે છે. તેમાંથી કેટલાક આરોપીઓ સેન્ટ્રલ જેલ જમ્મુ, શ્રીનગર ઉપરાંત અન્ય રાજયોમાં પણ બંધ છે. સુત્રો અનુસાર પ્રશાસને જનસુરક્ષા અધિનિયમ હેઠળ જે આરોપીઓને કસ્ટડીમાં લેવાયા છે તેની યાદી માંગી છે. અધિકારીઓ અનુસાર, જમ્મુ-કાશ્મીરા આવા પ૦ નેતાઓની યાદી ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે, જેમના પર પીએસએ લગાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ યાદીમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, આઇએએસ અધિકારી શાહ ફૈઝલ સહિત મુખ્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા લગભગ ડઝનેક નેતાઓના નામ નથી. ઓગસ્ટમાં લગભગ ૪પ૦ લોકો પર પીએસએ લગાડાયો હતો. જેમાંથી ગયા મહિને ર૬ લોકોને છોડાયા હતા. તે ઉપરાંત સુપ્રિમના આદેશ પછી કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુખીન  શાહના આરોગ્ય વિષયક કારણોના આધારે છોડવામાં આવ્યા હતા. આરોગ્ય વિષયક કારણોથી અન્ય બે લોકોને પણ છોડી મુકાયા હતા.

(3:43 pm IST)