મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

કોરોના અંગેના સમાચારો માટે વોલસ્ટ્રીટ જર્નલના ત્રણ પત્રકારોને તગેડી મુકતું ચીન

બૈજીંગ તા. ર૦: ચીને ગઇકાલે જણાવ્યું હતું કે પોતાના મેગેઝીનમાં વાંધાજનક એપીનીયન કોલમ પ્રકાશિત કરવાના પ્રતિશોધ રૂપે તેણે વોલ્સ્ટ્રીટ-જર્નલના ત્રણ રિપોર્ટરોને દેશ છોડી  દેવાનો આદેશ આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા જેંગ શુઆંગે  પત્રકારો સાથેની ઓન લાઇન વાતચીતમાં કહ્યું હતું કે બૈજીંગે વોલસ્ટ્રીટ જર્નલને જાહેર માફી માંગવા અને આના માટે જવાબદાર લોકો સામે પગલા લેવાની વિનંતી કરી હતી. સામ્યવાદી પક્ષના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીની અધિકારીઓને તે આર્ટીકલની હેડલાઇન જાતિવાદી લાગી હતી.

ફેબ્રુઆરીની શરૂઆતમાં પ્રકાશિત થયેલ આ આર્ટીકલ વર્તમાન કોરોના વાયરસ અને ચીનની આર્થિક તાકાત અંગેનો હતો જેનું ટાઇટલ હતું ''ધ રીયલ સીક મેન ઓફ એશીયા'' તે લેખ ન્યુયોર્કની બાર્ડ કોલેજના પ્રોફેસર વોલ્ટર રસેલ મીડે લખ્યો હતો.

આ લેખ પ્રકાશિત થયાના થોડા સમયમાં જ ચીની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનયીને પ્રેસ બ્રીફીંગમાં આ લેખ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું, ''વોલ્ટર રસેલ મીડ, તમને તમારા શબ્દોથી તમારા ઘમંડ, તમારા પુર્વ ગ્રહો અને અજ્ઞાનતાથી શરમ આવવી જોઇએ.''

ત્યાર પછી ચીને વોલસ્ટ્રીટ જર્નલના ડેપ્યુટી બ્યુરો ચીફ જોશ ચીન, રીપોર્ટર ચાઓ ડેન્ગ બન્ને અમેરિકન નાગરીક અને ઓસ્ટ્રેલીયન નાગરિકતા ધરાવતા રીપોર્ટર ફીલીપ વેનને પાંચ દિવસમાં દેશ છોડી દેવાનો હુકમ કર્યો છે.

(3:26 pm IST)