મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

મ્યુ.ફંડ બજાર નોંધપાત્ર રીતે વધ્યું: સીઇઓ-એમડી બાલા સુબ્રમણ્યમ

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુ.ફંડ માટે રાજકોટ મહત્વનું: સૌરાષ્ટ્રનાં કારોબારનો ૪૫% હિસ્સો

મુંબઇ, તા.૨૦: આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ(એબીએસએલએમએફ) માટે કાઠિયાવાડ પ્રદેશમાં રાજકોટ ટોચનું બજાર છે. સૌરાષ્ટ્રમાં ફંડ હાઉસના એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં રાજકોટનો હિસ્સો સૌથી વધુ, જે આશરે આ પ્રદેશના કુલ કારોબારના ૪૫ ટકા જેટલું છે તેમ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ શ્રી એ. બાલાસુબ્રમણિયને તેમની રાષ્ટ્રવ્યાપી સીઈઓ યાત્રાના ભાગરૂપે સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. સીઈઓ યાત્રા એ દેશભરમાં વિસ્તરેલા ફંડ હાઉસના મૂલ્યવાન ભાગીદારો સાથે જોડાવાનો અનોખો રસ્તો છે. કેટલાંક બજારોમાં તો તેઓ જે તે સ્થળની મુલાકાત લેનારા મ્યુચ્યુઅલ ફંડના  પ્રથમ સીઈઓ હતાં. શ્રી બાલાસુબ્રમણિયને એમ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારના રોકાણકારોનો સૌથી મોટો હિસ્સો ૨૫-૪૫ની વયજૂથનો છે.

૨૫ વર્ષનો ભવ્ય વારસો ધરાવતા ફંડ હાઉસે ૨૦૦૭માં રાજકોટ શાખાનો પ્રારંભ કર્યો હતો. માત્ર એક દાયકાથી થોડાં વધુ સમયમાં જ તેણે સૌરાષ્ટ્રના બજારમાં ટોચના ત્રણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્થાન હાંસલ કરી લીધું છે. તમામ શહેરોમાં હાજરી સુનિશ્યિત બનાવતા ફંડ હાઉસે સૌરાષ્ટ્રમાં ૯ સ્થળોએ વિસ્તરણ કર્યું છે, જેમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર, ભૂજ તથા ગાંધીધામમાં સંપૂર્ણ સેવા ઉપલબ્ધ બનાવતી શાખાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ફંડહાઉસની હાજરી પોરબંદર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ છે.

સૌરાષ્ટ્રની પોતાની મુલાકાત વિશે બોલતાં શ્રી એ. બાલાસુબ્રમણિયમે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અમે બ્રાન્ડની ક્ષમતા, કુશળતા ધરાવતા કર્મચારીઓ, ટેકનોલોજીકલ નિપુણતા, રોકાણકારોને માર્ગદર્શન, ડીસ્ટ્રીબ્યુટરોના વિકાસ માટેના પગલાં તથા દરેક ગ્રાહકો સુધી પહોંચી નાણાકીય સમાવેશની પ્રતિબદ્ઘતા જેવા મજબૂત પાયાઓ પર અમારી હાજરી સ્થાપિત કરી છે. સૌરાષ્ટ્રના અમારા વર્તમાન રોકાણકારોની લમ્પસમ એવરેજ ટિકિટ સાઈઝમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.

મ્યુચ્યુઅલ ફંડ વિશે વધેલી જાગરૂતતા તથા મ્યુચ્યુઅલ ફંડ અને તેના ભાગીદારો દ્વારા સતત કરાતા પ્રયાસોને પરિણામે આ બજાર નોંધપાત્ર ધોરણે વિકસ્યું છે. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે ગયા વર્ષે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રોકાણકારોના માર્ગદર્શન માટે તથા ડીસ્ટ્રીબ્યુટરોના વિકાસ માટે  સૌથી વધુ કાર્યક્રમો યોજયાં હતાં, જેમાંથી ૪૭નું આયોજન તો માત્ર રાજકોટમાં કરાયું હતું. ફંડ હાઉસે નિપુણ પ્લેટફોર્મ હેઠળ પ્રદેશમાં ટી૩૦ (ટોચના ૩૦) અને બી૩૦ (ટોચના ૩૦ પછીના) સ્થળોએ સૌથી વધુ સંખ્યામાં ડીસ્ટ્રીબ્યુટર તાલિમ સત્રો યોજયાં હતાં.

(10:00 am IST)