મુખ્ય સમાચાર
News of Tuesday, 20th February 2018

પાસપોર્ટ બનાવવા માટેના નિયમોમાં થયા ખાસ ફેરફાર

નવી દિલ્હી તા. ૨૦ : હાલમાં જ વિદેશ મંત્રાલયે પાસપોર્ટની અરજી માટે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. માતા-પિતાની જાણકારી, જન્મનું પ્રમાણપત્ર અને લગ્ન કરેલા લોકો અને જેમણે છૂટાછેડા લીધા હોય તેમની માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.

જુના નિયમો મુજબ જન્મનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત હતું, જેનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ અથવા તેના બાદ થયો હોય. પરંતુ નવા નિયમોમાં તેના કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે કોઈપણ નગરપાલિકાના રજીસ્ટ્રાર, જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રાર અથવા પ્રમાણિત ઓથોરિટી તરફથી જન્મ તારીખને માન્ય ગણવામાં આવશે. આ સાથે જ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું ટ્રાન્સફર અથવા સ્કૂલ લીવિંગ સર્ટી માન્ય ગણવામાં આવશે.

પાન કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધાર કાર્ડ અથવા ઈ-આધારની મદદથી પણ અરજી કરી શકાશે. ડ્રાઈવિંગ લાઈસેન્સ અને ચૂંટણી કાર્ડ જેવા આઈડી માન્ય છે. નવા નિયમો મુજબ હવેથી પાસપોર્ટના આવેદન માટે માતા-પિતા બંનેના નામો આપવા જરૂરી નથી. આ સાથે સાધુ સંતો પોતાના આધ્યાત્મિક ગૂરૂનું નામ આપી શકે છે.

હવે કોલમની સંખ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં A, C, D, E, J અને K હટાવવામાં આવ્યા છે. જયારે કેટલીક કોલમો ભેગી કરવામાં આવી છે. પેહલા તમામ કોલમોમાં નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ કલાસ ન્યાયિક મેજીસ્ટ્રેટની ખરાઈ કરવામાં આવતી, હવે આવેદન કર્તા સાદા કાગળમાં પોતાની સહિ કરી શકે છે. અરજી કર્તાને સહિ સિક્કા માટે હવેથી ભાગદોડ નહી કરવી પડે. મેરેજ સર્ટીને હટાવવામાં આવ્યું છે. આ સાથે જેમણે છૂટાછેડા લીધા છે તેમણે પતિ અથવા પત્નીનું નામ આપવાની જરૂર નથી.

(10:33 am IST)