મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજના મુદ્દે ફરી બંને દેશો વચ્ચે તંગદિલી : ડ્રેગને આપી ધમકી

ચીને અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકા ચીનની જળસીમામાં પ્રવેશીને આંતરરાષ્ટ્રીય કાયદા તોડે છે.

નવી દિલ્હી : દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજના મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે નિવેદનો થયા હતા. ચીને અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકા ચીનની જળસીમામાં પ્રવેશીને આંતરરાષ્ટ્રીય કાયદા તોડે છે. બીજી તરફ અમેરિકાએ પણ આંતરરાષ્ટ્રીય કાયદા ટાંકીને ચીનને જવાબ આપ્યો છે.

દક્ષિણ ચીની સમુદ્રના મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે વારંવાર તંગદિલી થતી રહે છે.ફરીથી એ મુદ્દે સામ-સામા નિવેદનો આવ્યા છે. ચીનના દક્ષિણ થિયેટર કમાન્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઉપર ચીનની વિશેષ નજર છે. અમેરિકાના આ યુદ્ધજહાજે જળસીમાનું ઉલ્લંઘન કર્યું છે. ચીને દાવો કર્યો હતો કે એ મુદ્દે અમેરિકાને ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ અમેરિકાએ ચીન દ્વારા કોઈ જ ચેતવણી અપાયાની વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. અમેરિકાના દક્ષિણ ચીની સમુદ્ર ઓપરેશનના પ્રવક્તા માર્ક લેંગરે કહ્યું હતું કે ચીનનું નિવેદન ભૂલભરેલું છે. એક તો અમેરિકાના યુદ્ધજહાજ-ડિસ્ટ્રોયરને એવી કોઈ ચેતવણી મળી નથી. બીજું, મિત્ર દેશો સાથે થયેલા કરાર પ્રમાણે, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીને જ અમેરિકાનું ફ્રી નેવિગેશન ઓપરેશન ચાલી રહ્યું છે. તેમણે દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા ટાપુઓની નજીકની આંતરરાષ્ટ્રીય જળસીમાની આઝાદીનું સમર્થન કર્યું હતું.
દક્ષિણ ચીની સમુદ્ર ઉપર ચીનનો દાવો છે. અન્ય પાડોશી દેશો સાથે પણ ચીન એ મુદ્દે વિવાદો સર્જે છે. અમેરિકા યુએનના ફ્રી નેવિગેશનના નિયમોને ટાંકીને દક્ષિણ ચીની સમુદ્રમાં સતત હાજરી નોંધાવે છે. એ મુદ્દે અવારનવાર બંને દેશોના સૈન્ય વચ્ચે તંગદિલી સર્જાય છે.

(11:58 pm IST)