મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

દિલ્હી સરકારે ઘટાડ્યા RTPCR ચાર્જ : ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ માટે 500ના બદલે હવે માત્ર 300 રૂપિયા ચૂકવવા પડશે

RT-PCR ટેસ્ટની સાથે રેપિડ એન્ટિજેન ડિટેક્શન ટેસ્ટના દરમાં પણ ઘટાડો કરાયો : હવે 100 રૂપિયામાં થઇ શકશે ટેસ્ટ

નવી દિલ્હી :દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. આજે રાજ્યમાં કોરોનાના 12306 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન દિલ્હી સરકારે કોરોના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે  RT-PCR ટેસ્ટના દર ઘટાડવાના નિર્દેશ આપ્યા છે. નવા આદેશ બાદ હવે દિલ્હીની ખાનગી લેબ અથવા હોસ્પિટલોમાં RT-PCR ટેસ્ટનો દર 300 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, પહેલા તેની કિંમત 500 રૂપિયા હતી. RT-PCR ટેસ્ટ રેટની સાથે રેપિડ એન્ટિજેનની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી લેબ અથવા હોસ્પિટલ દ્વારા આરટી-પીસીઆર પરીક્ષણ માટે નમૂનાના સંગ્રહનો દર 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

RT-PCR ટેસ્ટની સાથે રેપિડ એન્ટિજેન ડિટેક્શન ટેસ્ટના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે 300 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે આ ટેસ્ટ માટે માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની તપાસ વધારવા માટે લખવામાં આવેલા પત્ર બાદ દિલ્હીમાં ફરીથી કોરોનાની તપાસ વધારવામાં આવશે. બુધવારે મળેલી આરોગ્ય વિભાગની બેઠકમાં તમામ જિલ્લાઓને તેમના ટ્રાન્ઝિટ પોઈન્ટ, કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોનની બહાર તપાસ વધારવા માટે કહેવામાં આવ્યું છે.

બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીને દરરોજ 80-85 હજાર કોરોના ટેસ્ટ કરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટને લઈને ICMRની ગાઈડલાઈન્સને પગલે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ ટેસ્ટમાં 58 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. કોવિડ ટેસ્ટની સંખ્યા ઘટીને 50 હજારથી ઓછી થઈ ગઈ છે.

(10:23 pm IST)