મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

ટોંગા જ્વાળામુખી વિસ્ફોટ હિરોશીમા વિસ્ફોટથી શક્તિશાળી

પ્રશાંત મહાસાગરમાં ટોંગા જ્વાળામુખીમાં વિસ્ફોટ : વિસ્ફોટ સૌથી ભયાનક હોવાનું એક્સપર્ટ્સનું માનવું છે

નવી દિલ્હી, તા.૨૦ : પ્રશાંત મહાસાગના ટોંગા જ્વાળામુખી વિસ્ફોટ બાદ જનજીવન ખોરવાઈ ગયું છે. ૮૪ હજારથી પણ વધારે લોકો ભીષણ જ્વાળામુખી વિસ્ફોટને કારણે પ્રભાવિત થયા છે. તેવામાં વૈજ્ઞાનિકો અને રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ટોંગા આઈલેન્ડની પાસે પાણીની નીચેનો જ્વાળામુખી ગત શનિવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો હતો. ૧૦૦ વર્ષોમાં વિસ્ફોટ સૌથી ભયાનક હોવાનું એક્સપર્ટ્સનું માનવું છે. તો સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જાપાનના હિરોશિમા પરમાણુ બોમ્બથી પણ વિસ્ફોટ ૬૦૦ ગણો વધારે શક્તિશાળી હતી. બીજી બાજુ જ્વાળામુખી વિસ્ફોટ બાદ ટોંગા ટાપુ પર ચોતરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં વિશ્વભરના અનેક દેશો ટોંગાની મદદ માટે આગળ આવી રહ્યા છે.

નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના મુખ્ય વૈજ્ઞાનિક જેમ્સ ગારવિને એનપીઆરને જણાવ્યું હતું કે, નંબરથી સમજવામાં આવે તો વિસ્ફોટ લગભગ ૧૦ મેગાટન ટીએનટી બરાબર હતો. જેનો અર્થ થાય છે કે, જ્વાળામુખી વિસ્ફોટથી ૬૫૦થી પણ વધારે લિટિલ બોય પરમાણુ બોમ્બની શક્તિ બરાબર હતા, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૫માં જાપાનના હિરોશિમા ઉપર ફેંકવામાં આવ્યા હતા.

ઉપરાંત વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે, વિસ્ફોટ છેલ્લા ૩૦ વર્ષોમાં દુનિયાના સૌથી મોટા વિસ્ફટોમાંથી એક હતો. અને તે કદાચ એક સદીથી વધારે સમયમાં પૃથ્વી પર થનાર સૌથી તેજ ઘટનાઓમાંથી એક હતી. યુએસ જિયોલોજીકલ સર્વેના એક જીઓલોજીસ્ટ માઈકલ પોલેન્ડે કહ્યું કે, ૧૮૮૩માં ઈન્ડોનેશિયાના જ્વાળામુખી વિસ્ફોટ ક્રાકાટાઉ બાદ સૌથી જોરદાર વિસ્ફોટ હોઈ શકે છે.

જ્વાળામુખી વિસ્ફોટ બાદ ટોંગા ટાપુ પર ચોતરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં વિશ્વભરના અનેક દેશો ટોંગાની મદદ માટે આગળ આવી રહ્યા છે. વિસ્ફોટ બાદ ચારે તરફ રાખનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ટોંગાના એરપોર્ટ પરથી રાખ હટાવ્યા બાદ હવે વિશ્વના દેશો દ્વારા પ્લેન મારફતે સહાય મોકલવામાં આવી રહી છે. ગુરુવારે ટોંગા માટે પીવાના પાણી અને અન્ય સામગ્રી સાથેની પ્રથમ ફ્લાઈટને રવાના કરતાં ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી નાનૈયા મહુતાએ કહ્યું કે, સી ૧૩૦ હર્ક્યુલસ સૈન્ય કાર્ગો પ્લેનને પાણીના કન્ટેનર, અસ્થાયી આશ્રયો માટે કિટ, જનરેટર સહિતની વસ્તુઓ રવાના કરવામાં આવી છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડ નૌસેનાની એક શિપ ગુરુવારે ટોંગા પહોંચશે તેવી આશા છે. શિપમાં અઢી લાખ લિટર પાણીની સાથે અન્ય સહાય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.

ઉપરાંત દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ પણ મોકલવામાં આવ્યા છે. જેનાથી દરરોજ હજારો લિટર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય છે. ન્યૂઝીલેન્ડના રક્ષા મંત્રી પીની હેનારે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ પરત ફરતાં પહેલાં વિમાન ૯૦ મિનિટ સુધી જમીન પર રહેવાની આશા છે. ઓસ્ટ્રેલિયાએ પણ એક સી-૧૭ ગ્લોબમાસ્ટર કાર્ગો પ્લેન મોકલ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે ઘટનામાં લોકોના મોત, ઈજાગ્રસ્ત અને નુકસાન તેમજ પ્રદૂષિત પાણીના સંકેત આપતાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકારીઓના રિપોર્ટ અનુસાર ટોંગાની વસ્તીના ૮૦ ટકાથી વધારે લોકો એટલે કે ૮૪ હજાર લોકો જ્વાળામુખી વિસ્ફોટથી પ્રભાવિત થયા છે.

(9:59 pm IST)