મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

ભંડેરી-ઘોડાસરા-મુળુભાઇ સહિત તમામ બોર્ડ નિગમોના ચેરમેનોના રાજીનામા

પ્રદેશ પ્રમુખે તાકીદની બેઠક બોલાવી સૂચના આપીઃ ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંકો થશેઃ પ્રદેશ ભાજપના સપાટાથી રાજકીય ખળભળાટ

રાજકોટ તા. ૨૦ : રાજ્ય સરકારે આજે તમામ બોર્ડ નિગમોના રાજકીય ચેરમેનો અને વાઇસ ચેરમેનના રાજીનામા માંગી લેતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સવા વર્ષ પહેલા ૧૮ બોર્ડ નિગમોના ચેરમેનોની મુદ્દત પુરી થયા બાદ નવી નિમણુંક કરાયેલ નહીં. તે જગ્યા ઉપર હાલ અધિકારીઓ ચેરમેનના ચાર્જમાં છે. ૧૦ જેટલા બોર્ડ નિગમોમાં ભાજપના આગેવાનો ચેરમેનપદે છે તે તમામને તાત્કાલીક રાજીનામા આપી દેવા આજે કમલમ્ ખાતે બોલાવી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૂચના આપી છે. તેમાંના મોટાભાગનાએ રાજીનામા આપી દીધા છે. જે ગાંધીનગર હાજર નહોતા તેમના રાજીનામા ગણત્રીની કલાકોમાં મુખ્યમંત્રીને પહોંચી જશે.
સરકાર ટૂંક સમયમાં ૫૦ જેટલા બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંકો કરે તેવા નિર્દેશ છે. ધારાસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ નિમણુંકો થશે. પ્રબળ દાવેદારો હોવા છતાં તેને ટિકીટ આપી શકાય તેમ ન હોય તેને બોર્ડ નિગમ આપીને રાજી કરવા પ્રયાસ કરાશે તેમ માનવામાં આવે છે.
આજે શેના રાજીનામા લઇ લેવાયા છે અથવા આપી દેવા સૂચના અપાઇ છે તેમાં મ્યુનિસિપલ ફાન્યનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, મહિલા આયોગના ચેરમેન નિલાબેન આત્રોલીયા, લઘુમતિ બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત વગેરેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

 

(4:04 pm IST)