મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

ભારત છ પાડોશી દેશને ફ્રી કોરોના વેક્સિન આપશે

કોરોનામાં પાડોશી દેશોને મોદી સરકારની ભેટ : ભૂતાન-માલદીવને ખેપ રવાના : બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, ફિલીપીન્સ, સઉદી, મંગોલિયા રસીની માગ કરી ચૂક્યા છે

નવી દિલ્હી, તા. ૨૦ : વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહેલા વિશ્વના અન્ય દેશોની સાથે ભારતના ૬ પડોસી દેશોને ભારત સરકાર અને દેશવાસીઓએ કોરોના રસીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પડોસી દેશોને ફ્રીમાં કોરોના વેક્સિનની ડિલિવરી શરુ કરી દીધી છે. જે હેઠળ બુધવાર સવારે મુંબઇ એરપોર્ટ પરથી ભૂટાન માટે ૧.૫ લાખ કોરોના વેક્સિન અને માલદીવ માટે ૧ લાખ કોરોના વેક્સિનની પહેલી ખેપ રવાના કરવામાં આવી હતી. વેક્સિન કન્સાઇનમેન્ટ પર ત્રિરંગા સાથે એક સંદેશ લખવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની જનતા અને સરકારની ભેટ.

આ સાથે ભારતે નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને સેશલ્સ જેવા દેશોને ફ્રી કોરોના વેક્સિન આપવાનું વચન આપ્યુ હતું. જે હેઠળ ભારત ૪૫ લાખ કોરોના વેક્સિન પડોસી દેશોને પહોંચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનની શરુઆત કરતા કહ્યુ હતું કે ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે જેણે મુશ્કેલીના સમયે પણ વિશ્વના ૧૫૦થી વધુ દેશોને જરુરી દવાઓ અને મેડિકલ હેલ્પ પહોંચાડી હતી. હવે જ્યારે આપણે કોરોના વેક્સિન બનાવી લીધી છે તો ભારત તરફ દુનિયાના આશાઓ વધી રહી છે. માલદીવને કોવિશીલ્ડની ૧ લાખ ડોઝ અને બાંગ્લાદેશને કોવિશીલ્ડની ૨૦ લાખ ડોઝ મોકલવામાં આવી રહી છે. આ વેક્સિન દેશોને મદદ રુપે આપવામાં આવશે. જે પછી આ દેશોને વેક્સિનના જેટલા ડોઝની જરુર હશે એ મુજબ વેક્સિન કંપનીઓ સાથે કરાર કરશે.

નોંધનીય છે કે, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, ફિલીપીન્સ, ઇન્ડોનેશિયા, વિયતનામ, મોરક્કો, કંબોડિયા, સઉદી અરબ અને મંગોલિયા જેવા દેશો પણ ભારત પાસેથી વેક્સિનની માંગ કરી ચૂક્યા છે.

(9:18 pm IST)