મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

સપાના ગઢમાં ઓવૈસીની દસ્તક

અખિલેશ યાદવની મુશ્કેલીઓમાં વધારો

લખનૌઃ. એક વખત સપાના મુસ્લિમ ફેસ કહેવાતા યુપીના ફાયરબ્રાન્ડ નેતા આઝમખાન છેલ્લા લગભગ એક વર્ષથી જેલમાં બંધ છે. રાજકીય ગલીયારામાં એ ચર્ચા જોરશોરમાં છે કે અખિલેશ યાદવે તેમના માટે જેટલુ જોર લગાવવાનુ હતુ તેટલુ નહોતુ લગાવ્યું.

રાજ્યની મુસ્લિમ વસ્તી વચ્ચે પણ આ મુદ્દો જોર પકડી રહ્યો છે કે જે કોમ સમાજવાદી પાર્ટી માટે લાઈનો લગાવીને મત આપે છે, તે કોમના કદાવર નેતાની રાજકીય દ્વેષની ભાવનાથી કરાઈ રહેલ દમનાત્મક કાર્યવાહી પર અખિલેશના મૌનથી તેમના મુસ્લિમ પ્રેમની પોલ ખુલી ગઈ છે.

ખેર, હવે જ્યારે ઓવૈસી યુપીના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અને તેમને જાણ છે કે મુસ્લિમ મતબેંક પર કબ્જો મેળવવા તેમણે અખિલેશ યાદવ સામે જ લડવુ પડશે એટલે તેમણે આઝમખાનવાળો મુદ્દો ઉછાળવાનુ નક્કી કર્યુ છે. તેમના કેમ્પમાંથી એ પ્રકારના સંકેતો મળી રહ્યા છે કે તેઓ જેલમાં કેદ આઝમખાનને મળવાની તૈયારીમાં છે. તેમના તરફથી આઝમખાનને એ પ્રકારનો સંદેશ મોકલવામાં આવ્યો છે કે તેઓ તેમની સાથે મુલાકાત કરવા માંગે છે. જો કે જેલમાં મુલાકાત ત્યારે જ થઈ શકે જ્યારે આઝમખાન પોતાના તરફથી સંમતિ આપે. ઓવૈસી આઝમખાનની સંમતિની રાહ જોઈ રહ્યા છે. જો ઓવૈસી તેની સાથે મુલાકાત કરવામાં સફળ થશે તો અખિલેશ માટે તે શરમજનક સમાચાર હશે. તેના પરિણામો દૂરોગામી બની શકે છે. આમ તો ઓવૈસીના યુપી આવવાના ભણકારા પછી અખિલેશે છીંડા પુરવાનું શરૂ કરી દીધુ છે. તેમણે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અહમદ હસનને ફરી એકવાર વિધાન પરિષદની ટીકીટ આપીને મુસ્લિમ સમુદાયને પોતાના તરફથી હકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયત્ન કર્યો છે.

(2:52 pm IST)