મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

કોરોના સામેના યુદ્ધમાં ભારતે વધુ એક શસ્ત્ર સજાવ્યું : નાકથી અપાતી Nasal રસીના ટ્રાયલની આપી મંજૂરી

Nasal રસીમાં બેને બદલે માત્ર એક જ ડોઝ આપવાની જરૂરિયાત રહેશે

નવી દિલ્હી : કોરોના સામેના યુદ્ધમાં ભારતે વધુ એક રસીને મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટકને Nasal રસીના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. હવે જ્યારે કમેટી પાસેથી મંજૂરી મળી ચુકી છે તો ટૂંક સમયમાં જ રસીની ટ્રાયલ પણ શરૂ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે Nasal રસી નાક દ્વારા આપવામાં આવે છે, જ્યારે અત્યાર સુધી ભારતમાં જે બે રસી (કોવિશિલ્ડ, કોવાક્સિન) મંજૂર કરવામાં આવી છે, તે હાથ પર ઇન્જેક્શન તરીકે આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાગપુરમાં આ રસીના પ્રથમ અને બીજા ફેઝનો ટ્રાયલ કરવામાં આવશે.

ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઇલ્લા મુજબ તેમની કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. આ Nasal રસીમાં બેને બદલે માત્ર એક જ ડોઝ આપવાની જરૂરિયાત રહેશે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ એક બેસ્ટ ઓપ્શન છે. તેમનું કહેવું છે કે નાકથી આપવામાં આવતી રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી રસી કરતા વધુ અસરકારક છે. રસીનો ટ્રાયલ ભુવનેશ્વર-પુણે-નાગપુર-હૈદરાબાદમાં પણ થશે. જ્યાં 18થી 65 વર્ષના અંદાજે 40થી 45 વોલિન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.

 

અત્યાર સુધી જે પણ વેક્સિન બજારમાં આવી છે, તેમાં વ્યક્તિના હાથ પર જ ઇન્જેક્શન આપવામાં આવતું હતું. પરંતુ Nasal રસીને નાક દ્વારા જ આપવામાં આવશે. જોકે નાકથી જ સૌથી વધુ વાઇરસ ફેલાવવાનો ખતરો હોય છે, એવામાં આ રસી વધુ અસરકારક સાબિત થઇ શકે તેવી શક્યતા છે.

વોશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસનના રિસર્ચ અનુસાર જો નાક દ્વારા વેક્સિન આપવામાં આવે છે, તો શરીરમાં ઇમ્યુન રિસ્પોન્સ ખૂબ જ ઉત્તમ રીતે તૈયાર થાય છે. તે નાકમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને આવતા રોકે છે જેથી તે વધારે શરીરમાં ના ફેલાય.

Nasal રસીના ટ્રાયલને મંજૂરી મળતા પહેલાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની રસી કોરોના સામેની લડાઇમાં ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે જે ઇન્જેક્શન લગાવવામાં આવે છે, તેનાથી માત્ર નીચેના લંગ જ સુરક્ષિત થાય છે. પરંતુ જો નાક દ્વારા રસી આપવામાં આવે છે તો તેનાથી ઉપરના અને નીચેના લંગ સુરક્ષિત રહેવાની સંભાવના છે. Nasal રસી વર્તમાન રસીની સરખામણીએ ઓછી ખતરનાક અને સરળતાથી આપી શકાય તેવી વેક્સિન છે. જે કોઇ પણ વ્યક્તિના શરીરમાં ઝડપથી અસર કરે છે. 

(12:15 am IST)