મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

લશ્કરી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ કરાવતા ટ્રમ્પ

છાતીમાં દુઃખે છે ? મગજની તકલીફ છે !! અનેક વિધ વાતો ફેલાતા અંતે સતાવાર જાહેરાત થઇ

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ અગાઉ મિલિટરી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તેમના સ્વાસ્થ્યને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.  ૭૩ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર જ સીધા મિલિટરી હોસ્પિટલ પહોંચીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આમ હોસ્પિટલની ઉડતી મુલાકાતથી ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને અફવાઓનું બજાર ગરમાયું હતું. કેટલાકે તેમને છાતિમાં દુૅંખાવો ઉપડતા તપાસ કરાવી હોવાની વાત કરી હતી જયારે કેટલાકે તેમને મગજની તકલીફ હોવાનું રટણ કર્યું હતું. જો કે આખરે બે દિવસ બાદ રાષ્ટ્રપતિના ફિઝિશિયને આ મામલે મૌન તૌડ્યું હતું અને ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને સ્પષ્ટતા કરી હતી.

 ટ્રમ્પના ફિઝિશિયન ડો. સીન પી કોન્લીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, 'રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યની અફવાઓને વિરામ આપવા સ્પષ્ટતા કરવામાં આવે છે કે તેમને છાતિમાં કોઈ જ દુઃખાવો નથી થતો કે તેમને કોઈ ગંભીર બીમારી પણ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોઈ કાર્ડિયાક કે ન્યૂરો તપાસ પણ થઈ નથી.' ઙ્ગટ્રમ્પના ચેકઅપ અને લેબ તપાસનો અહેવાલ આગામી વર્ષના અહેવાલમાં રજૂ કરાશે તેમ ડો. કોન્લીએ જણાવ્યું હતું.

જો કે રાષ્ટ્રપતિની મંજૂરીથી હું જણાવી શકું કે તેમનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ હાલમાં ૧૬૫ (mg/dL) છે, જેમાં HDL 70 LDL ૮૪ અને નોન-HDL 95 હોવાનું જણાયું હતું. પ્રાથમિક આરોગ્ય તપાસ વર્ષ દરમિયાન ચાલતી રહે છે.

 ટ્રમ્પે આરોગ્ય તપાસ કરાવ્યા બાદ મિલિટરી હોસ્પિટલની લટાર પણ મારી હતી અને તેમણે કેટલાક તબીબો ઉપરાંત હોસ્પિટલ સારવાર લઈ રહેલા લશ્કરના કર્મચારીઓના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી.

(3:30 pm IST)