મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

૬૩% મહિલાઓ પ્રસુતિના છેલ્લા દિવસ સુધી કામ કરે છે : ગ્રામિણ મહિલાઓ ઉપર ધ્યાન નથી અપાતું

છ રાજયોના સર્વેમાં બહાર આવેલ ચોંકાવનારી હકીકતો

નવી દિલ્હી  : ગર્ભાવસ્થા દરમ્યાન ખાસ જરૂરિયાતોને ગ્રામીણ ભારતમાં નજર અંદાજ કરવામાં આવે છે. મોટાભાગના પરિવારોમાં આ જરૂરિયાતોની જાણ પણ નથી હોતી. આ દરમ્યાન ખાસ જરૂરિયાતો હોવા છતાં પણ ગામડાઓમાં ફકત ૩૧ ટકા મહિલાઓને જ સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ પોષક આહાર મળી રહયો છે. આજ રીત ૬૩ મહિલાઓને પ્રસુતિની પીડા શરૂ થાય ત્યાં સુધી ઘરનું કામ કરવું પડે છે.

ગઇકાલે બહાર પડાયેલ જચ્ચા-બચ્ચા સર્વે રિપોર્ટમાં આ ભયાનક તારણો સામે આવ્યા છે. આ વર્ષે દેશના મધ્યપ્રદેશ સહિતના છ રાજયોમાં કરવામાં આવેલ આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ગર્ભાવસ્થામાં મહિલાઓને આરામની જરૂર હોવાની વાતને પરિવારના લોકો ગંભીરતાથી નથી લેતા. સર્વેમાં ૬૩ ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમને પ્રસુતિના દિવસ સુધી બધા કામ કરવા પડે છે.

૨૧ ટકા મહિલાઓ તો એવી હતી કે ઘરકામમાં મદદ માટે તેમની પાસે કોઇ હતું નહીં એટલે કે આખા ઘરની જવાબદારી તેમના પર હતી. રિપોર્ટ અનુસાર, ભોજનની ખાસ જરૂરિયાતોને પણ  નજર અંદાજ કરવામાં આવતી હતી. ફકત ૨૨ ટકા મહીલાઓજ એવી હતી કે જેમને સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે માત્રામાં જમવાનું મળ્યું હતું. સામાન્ય દિવસો કરતા વધુ પોષક આહાર માત્ર ૩૧ ટકા મહીલાઓને જ મળ્યો હતો.

 ઓછા બોડી માસ ઇન્ડેક્ષવાળી મહીલાઓનું પણ સામાન્ય રીતે ૧૩ થી ૧૮ કિલો વજન સગર્ભાવસ્થામાં વધતું હોય છે, પણ ભોજનની કમીના કારણે ગામડાઓમાં મહીલાઓનું વજન સરેરાશ ફકત ૭ કિલો વધ્યું હતું. અપુરતા ભોજન અને અપુરતા આરામના કારણે ગર્ભવતી મહીલાઓને મોટાભાગે નબળાઇ અને થાકનો અનુભવ થાય છે. સર્વેમાં જાણવા મળ્યું કે ૪૧ ટકા મહીલાઓના પગમાં સોજા આવ્યા હતા તો ૧૭ ટકા મહીલાઓને આંખોથી જોવાનું પણ ઓછુ થઇ ગયું હતું.

(1:13 pm IST)