મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

નજરકેદ નેતાઓ સાથે દુર્વ્યવહાર કરાય છે મહેબૂબાની પુત્રી ઇલ્તીજા મુફતીના સીધા આક્ષેપ

નવી દિલ્હી તા. ૧૯: જમ્મુ કાશ્મીરમાં નજરકેદ કરવામાં આવેલ ૩૪ નેતાઓને રવિવારે સખત ઠંડીના કારણે શ્રીનગરની હોટલમાંથી સરકારી ગેસ્ટ હાઉસમાં શીફટ કરાયા છે. આ દરમ્યાન પોલિસ પર નેતાઓ સાથે બદસલૂકીનો આક્ષેપ થયો છે. રાજયના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીની પુત્રી ઇલ્તીજા મુફતી દ્વારા પોતાની માતાના ટવીટર એકાઉન્ટથી આક્ષેપ કરાયો છે કે રાજય પોલિસે રાજકીય નેતા સજજાદ લોન, પીડીપી નેતા વહીદ પારા અને ભૂતપૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલ સાથે ગેરવર્તણુંક કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નવા ડીટેન્શન સેન્ટરોમાં હીટરોની અછત છે અને તેમાં સર્વેલન્સ જામર પણ લગાવ્યા છે. બારીઓને લાકડાથી બ્લોક કરવામાં આવી છે.

તેમણે સજ્જાદ લોનનો ઉલ્લેખ કરતા લખ્યું, ''જેને વડાપ્રધાન મોદી પોતાનો નાનો ભાઇ સમજે છે તેવી વ્યકિત સાથે જો આવો વહેવાર થતો હોય તો બાકી લોકોની કેવી દુર્દશા હશે? તેમણે દાવો કર્યો છે કે કાશ્મીરી યુવાઓના રોલ મોડલ શાહ ફૈઝલ સાથે પણ આવું થયું છે.''

જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણય પછી સેંકડો નેતાઓને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ નેતાઓમાં મહેબૂબા મુફતી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પણ સામેલ છે.

જેના પગલે પોલીસે પ્રતિક્રિયા આપી હતી. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, અન્ય સ્થળે ખસેડાતા પહેલાં અટકાયતી નેતાઓના સામાનની તપાસ માત્ર કરવામાં આવી હતી. આ માત્ર સામાન્ય તપાસ હતી. ઇલ્તેજાએ નવા અટકાયતી કેન્દ્રોમાં યોગ્ય સગવડો નહીં હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

(1:12 pm IST)