મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

સીબીઆઈનો ડખ્ખો વધુ વકર્યોઃ ડીઆઈજી એમ.કે. સિન્હાની સુપ્રિમ કોર્ટમાં સ્ફોટક પીટીશનઃ અજીત ડોભાલ, સીવીસી ઉપર સનસનીખેજ આરોપોઃ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીએ કરોડોની લાંચ લીધાનો આરોપ

નવી દિલ્હી, તા. ૧૯ :. સીબીઆઈના આંતરિક ડખ્ખાએ આજે એક નાટકીય મોડ લીધો છે. સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિન્હાએ આજે સુપ્રીમ કોર્ટમાં એક વિસ્ફોટક અરજી દાખલ કરી છે. જેમા તેમણે નરેન્દ્ર મોદી સરકારના ટોચના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે સીબીઆઈની રોજેરોજની કામગીરીમાં ચંચુપાત કરવા અંગે પોતાની પીટીશનમાં જે જે લોકોના નામ આપ્યા છે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીવીસી કે.વી. ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે એવો સનસનીખેજ આરોપ મુકયો છે કે, મોદી સરકારમાં કોલસા અને ખાણ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરી ઉપર વ્યાપારી સતિષ સાનાએ મુકેલા આરોપનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં ૨૦૧૮ના જૂનમાં રાજ્યમંત્રીને કેટલાક કરોડો રૂપિયાની લાંચ પણ આપવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટમાં સિંહાના વકીલે એવુ પણ કહ્યુ હતુ કે, અમારી અરજીમાં કેટલાક ચોંકાવનારા તથ્યો છે. આના જવાબમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, અમને ચોંકાવુ પડે તેવુ કશું નથી. સિન્હો પોતાની અરજીમાં વેપારી સતિષ શાહના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યુ છે કે જો આ બધુ સત્ય ઠરે તો મોટા ધડાકા ભડાકા થઈ શકે તેમ છે. અત્રે નોંધનીય છે કે સિન્હાની ૨૩મી ઓકટોબરે રાત્રે નાગપુર બદલી કરવામાં આવી હતી. જે સામે તેમણે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સુપ્રિમમાં દાખલ કરેલી અરજીમાં સિન્હાએ જણાવ્યુ છે કે, કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને જે નાણા ચૂકવાયા હતા તે અમદાવાદના વિપુલ થકી ચૂકવાયા હતા. આ બાબતનો ખુલાસો સાનાએ મારી સમક્ષ ૨૦-૧૦-૨૦૧૮ના રોજ કર્યો હતો જે અંગેનો રિપોર્ટ મેં તરત જ ડાયરેકટર અને એ.ડી. (એ.કે. શર્મા)ને કર્યો હતો. તેમણે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સીબીઆઈના ડાયરેકટર જેમને રીપોર્ટ કરે છે તે પર્સોનલ મંત્રાલયના થકી મંત્રી હરીભાઈ ચૌધરીએ સીબીઆઈ ઉપર પોતાની વગ વાપરવાનો પણ પ્રયાસ કર્યો હતો.(૨-

(5:11 pm IST)