મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

સલામ ! ભારતીય સૈનિકે મૃત્‍યુ બાદ પણ ઓર્ગન ડોનેટ કરી બચાવી લીધો સાથી સૈનિકનો જીવ

પુણે તા. ૧૯ : મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી ૨૯ વર્ષના લાંસ નાયકના પરિવારે એક મોટો નિર્ણય લઈને સૈનિકના ઓર્ગન્‍સનું સાથી સૈનિકને દાન કરીને બીજા સૈનિકનો જીવ બચાવી લીધો હતો. સિયાચિન ગ્‍લેશિયરમાં ડ્‍યુટી વખતે આ સૈનિક બ્રેઈન ડેડ થઈ ગયો હતો. પરંતુ તેના પરિવારના એક નિર્ણયને કારણે સાથી સૈનિકને નવુ જીવન મળશે.

નવી દિલ્‍હીમાં આર્મીની આરઆર હોસ્‍પિટલમાં બુધવારે સૈનિકનું હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું હતું. આર્મી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્‍યું કે ઓર્ગન્‍સ જેને આપવામાં આવ્‍યા છે તે સૈનિક પણ આર્મીમાં લાન્‍સ નાયકના હોદ્દા પર છે. ડોનર ૧૦ નવેમ્‍બરે અચાનક બીમાર પડી ગયા હતા અને ત્‍યાર બાદ તેને પ્રતાપપુર બેઝ કેમ્‍પમાં લાવવામાં આવ્‍યા હતા. ત્‍યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

એક સીનિયર અધિકારીએ જણાવ્‍યું કે ખરાબ આબોહવાને કારણે ૧૨ નવેમ્‍બરે સવારે લાંસ નાયકને દિલ્‍હી લઈ જવામાં આવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું, ‘ત્‍યાં તેમની સર્જરી કરાવવી પડી પરંતુ પછી ડોક્‍ટરોએ તેમને બ્રેઈન ડેડ ઘોષિત કરી દીધા હતા.' ત્‍યાર બાદ એક મિત્ર જે NSG કમાન્‍ડો છે તેમણે પરિવારને ઓર્ગન ડોનેશન માટે રાજી કરી લીધા હતા. લાંસ નાયકે મિત્રને કહ્યું કે, ‘પરિસ્‍થિતિ એવી હતી કે પરિવારને ઓર્ગન ડોનેટ કરવા માટે રાજી કરવા મુશકેલ હતા. પરંતુ મેં તેમને જયારે સમજાવ્‍યું કે તેમના નિર્ણયથી કેટલો ફાયદો થશે, કેટલા લોકોનું જીવન બચી જશે તો તે તૈયાર થઈ ગયા હતા.'

સેનાના અધિકારીએ જણાવ્‍યું કે લાંસ નાયકના હાર્ટને એક ત્રીસ વર્ષના સાથી સૈનિકમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું છે. એ સૈનિકને એક અઠવાડિયા પહેલા જ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. ડોનર લાંસ નાયકનો ભાઈ પણ સેનામાં જ કાર્યરત છે. તેમણે જણાવ્‍યું, ‘મારા ભાઈએ મૃત્‍યુ બાદ પણ અમને ગર્વ અપાવ્‍યું છે. મરવા પછી એક સાથી સૈનિકનો જીવ બચાવવો અમારા આખા પરિવાર માટે કોઈ ઉપલબ્‍ધિથી કમ નથી.

(10:54 am IST)