મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

૧ નવે.થી બેન્કોનો સમય બદલાશેઃ ત્રણ પ્રકારનું ટાઇમ ટેબલ તૈયાર

નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં લઇ નવાં ટાઇમ ટેબલ તૈયાર કર્યા

નવી દિલ્હી તા.૧૯: અહેવાલો અનુસાર ૧ નવેમ્બરથી બેન્કો ખૂલવા માટેનો સમય બદલાઇ જશે. બેન્કો માટે નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નવું ટાઇમ ટેબલ તૈયાર કર્યુ છે. નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને તમામ બેન્કો સાથે વાતચીત કર્યા બાદ એવો નિર્ણય કર્યો છે કે બેન્કોની કોઇ પણ બ્રાંચે ગ્રાહકોની સુવિધા અને સગવડતાને ધ્યાનમાં લઇને તેનો સમય ખાસ કરીને બેન્કો ખૂલવાનો સમય નક્કી કરવો જોઇએ.

આ માટે બેન્કિંગ ડિવિઝને બેન્કો માટે ત્રણ પ્રકારનું ટાઇમ ટેબલ તૈયાર કર્યુ છે. આ ટાઇમ ટેબલમાં બેન્કો ખૂલવા અંગે જુદા જુદા સમય મુજબ ટાઇમ ટેબલ તૈયાર કરાયું છે.

પ્રથમ ટાઇમ ટેબલ અનુસાર બેન્કોનો સમય સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે, જ્યારે બીજા ટાઇમ ટેબલ અનુસાર બેન્ક જો સવારે ૧૦ વાગ્યે ખૂલે તો સાંજે ૪ વાગ્યા સુધી બેન્ક કામ કરશે. ત્રીજા સમય મુજબ બેન્કોનો સમય સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે. આ નિર્ણય તમામ સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને લાગુ પડશે. બેન્કોની કોમર્શિયલ એકિટવિટીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

(3:37 pm IST)