મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

કાશ્મીરમાં ૪૩ ખાનગી કંપનીઓ ૧૩૭૦૦ કરોડ રોકવા માંગે છે

દાલમિયા સીમેન્ટ, શ્રી સીમેન્ટ, જેકસન ગ્રુપ જેવી કંપનીઓ કાશ્મીરમાં ઉદ્યોગ સ્થાપવા આતુર

નવી દિલ્હી તા. ૧૯ :.. જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ મી કલમ હટયાને ૩ મહિના પણ નથી થયા ત્યાં ૪૩ ખાનગી કંપનીઓએ ૧૩૭૦૦ કરોડનું રોકાણ કરવામાં પોતાનો રસ દેખાડયો છે. આ અંગેની માહિતી ધરાવતા એક અધિકારીઓ જણાવ્યું કે જે કંપનીઓએ રોકાણ માટે રસ દર્શાવ્યો છે તેમાં દાલમીયા સીમેન્ટ, શ્રી સીમેન્ટ, જેકસન ગ્રુપ, સીવીંક ગ્રુપ, પેપર બોટ ડીઝાઇન સ્ટુડીયો પ્રા. લી. સહિત સ્કુલ ઓફ બીઝનેસ સામેલ છે. ૪૩ કંપનીઓએ ૬ર એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અત્યાર સુધીમાં જમા કરાવ્યા છે.

આ કંપનીઓએ જે ક્ષેત્રમાં રોકાણ માટે રસ દાખવ્યો છે તેમાં મેન્યુફેકચરીંગ, રક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેકનીક, આઇટી, શિક્ષણ, ઉર્જા અને હોસ્પીટાલીટી જેવા ક્ષેત્રો સામેલ છે. આ કંપનીઓ આ વિસ્તારમાં પોતાનું માળખુ કેવી રીતે ગોઠવશે તેનો આધાર સરકાર દ્વારા તેમને મળનાર સુવિધાઓ પર રહેશે. ઘણી બધી કંપનીઓ ૧પ વર્ષ માટે કર માં છૂટ અને અવર-જવર પર ઇન્સેન્ટીવ માંગી રહી છે.

જમ્મુ કાશ્મીર પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (એકેટીપીઓ) આ કંપનીઓ પાસેથી મળેલા ઇઓઆઇની તપાસ કરશે અને આ કંપનીઓ સાથે ફાઇનલ સમજૂતી પર સહી સિકકા કરશે. હાલમાં આ વિસ્તારમાં ૬પ૦૦ નાના મોટા ઔદ્યોગિક એકમો કામ કરી રહ્યા છે. તે ઉપરાંત ર૦ હજારથી વધારે નાના ઇન્ડસ્ટ્રીયલ એકમો સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ કહયું કે ફુડ પ્રોસેસીંગ, ખેતી અને હોર્ટીકલ્ચર જેવા ક્ષેત્રોમાં વધારે ઇન્સેન્ટીવ મળી શકે છે. જે કંપનીઓ પોતાનો કાચો માલ જમ્મુ-કાશ્મીરની બહારથી લાવશે તેમને બીજી કંપનીઓ કરતા વધારે છૂટછાટ આપવામાં આવશે.

જો કે જમ્મુ-કાશ્મીરમાં બહારથી આવીને ધંધો કરનાર કંપનીઓને મદદ કરવાના સરકારના પ્રયાસોના કારણે સ્થાનીક વ્યવસાયિકોમાં ડર છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શેખ આશિકે કહયું કે બહારથી આવીને અહીં ધંધો કરનારને સરકાર કેવી છૂટછાટ અને સુવિધાઓ આપશે તે અમારે જોવું પડશે. સરકારને જમીનની અછતનો પણ સામનો કરવો પડશે. કાશ્મીરમાં ૬૦ ટકા વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. અહીં જગ્યા જ કયાં છે. સરકાર ઉદ્યોગો માટે જમીન કયાંથી લાવશે...?

(1:07 pm IST)