મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ઋષિકેશ ગંગાજીને કિનારે પરમાર્થ નિકેતન ધામમાં સત્સંગ સાધના શિબિરનો શુભારંભ. ઠાકોરજીને ગંગાજળથી અભિષેક

ઋષિકેશ તા.19: હિમાલયની ગોદમાં ગંગાજીને કિનારે ઋષિકેશમાં મુનિજી મહારાજ સંચાલિત પરમાર્થ નિકેતન ધામમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તારીખ 18-10-2019 થી 24-10-2019 દરમ્યાન સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. શિબિરાર્થીઓને જમવા તથા રહેવાની વ્યવસ્થા પરમાર્થ નિકેતનમાં કરવામાં આવી છે.

        શિબિરના પ્રારંભે ઘનશ્યામ ભગત તથા તીર્થસ્વરૂપદાસજી સ્વામીએ હેલી આજનો દિવસ રળિયામણો રે... એ કીર્તન દ્વારા કર્યો હતો. કીર્તન સમાપ્તિ બાદ શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્યશ્રી મુનિજી મહારાજ, પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાત હાઇકોર્ટના જજશ્રી ઢોલરીયા સાહેબ તથા મસ્કતથી પધારેલા રામજીભાઇ હીરાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ સ્નેહમિલનનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ સંતોએ ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું. ત્યારબાદ તમામ સંતોને પૂજ્યશ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ તથા પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ચંદનની અર્ચા કરી રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

પૂજ્યશ્રી માધવપ્રિયદાસજી સ્વામી સહિત સંતોએ તમામ હરિભક્તોને શુકનમાં પેંડાની પ્રસાદી આપી હતી.

પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ ગંગાજીના તટ ઉપર પગ મૂકતા જ હૃદયમાં અત્યંત શાંતિ વર્તે છે. આ ભૂમિ ઉપર અનેક સંતો અને મહંતોએ તપ કરેલ છે. ખરેખર આ તપોભૂમિ છે. ભગીરથ તથા ભરતજી જેવા મોટા મોટા રાજાઓએ પોતાનું રાજ છોડીને આ ગંગાજીને કિનારે તપ કરેલ છે.

પૂજ્યશ્રી મુનિજી મહારાજે જણાવ્યું હતું કે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું એમ આ ભૂમિ પવિત્ર ભૂમિ છે. અહીંથી થોડે દૂર કણ્વ ઋષિનો આશ્રમ છે, જ્યાં ચક્રવર્તિ સમ્રાટ ભરતનો જન્મ થયો હતો. અહીંથી થોડે દૂર આયુર્વેદના મહાન આચાર્ય ચરક ઋષિનો આશ્રમ આવેલો છે, જેમણે વિશ્વને શ્રેષ્ઠ આયુર્વેદ વિજ્ઞાન આપેલું છે. અહીં ભગવાન નીલકંઠ બિરાજે છે. ભગવાન નીલકંઠ મહાદેવજીએ સમુદ્રમાંથી નીકળેલા વિષને પીધું હતું અને ગળામાં ધાર્યું હતું.

જીવનમાં મહાપુરુષોને સત્કાર્યો કરતાં કરતાં અનેકવાર વિષ પીવાનો વારો આવતો હોય છે. સંતો વિષપાન કરીને પણ વિશ્વનું મંગળ કરતા હોય છે.

ગુરુકુલની સ્થાપના કરનાર શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજીએ પણ અનેક કષ્ટો વેઠીને લોકકલ્યાણકારી કાર્યો કર્યા હતા.           

શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી તો પ્રેમની મૂર્તિ છે, જેણે હજારો હરિભક્તોને ધર્મમાં જોડ્યા છે. ખરેખર ધર્મ કોને કહેવાય ? જે જોડે તે ધર્મ છે.

આ ગંગાજીને કિનારે આપ સર્વ હરિભક્તો અહીં પધાર્યા છો, આટલી મોટી સંખ્યા જોઇને અત્યંત આંદ થાય છે.

શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મુનિજી મહારાજનો હૃદયનો નિખાલસ પ્રેમ અમોને અહીં પરમાર્થ નિકેતનમાં ખેંચી લાવે છે. મુનિજી મહારાજ વિઝનરી સંત છે. તેઓ ગ્રીન-ઇન્ડિયા, ક્લિન-ઇન્ડિયા માટે જબરો પુરુષાર્થ કરી રહ્યા છે.

તેઓ સંવાદના સંત છે, એમણે વિવિધ ધર્મો વચ્ચે સેતુ રચવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

સાંજે ચાર વાગ્યે ગંગાજીને કિનારે ગંગાસ્નાનનો કાર્યક્રમ યોજાયો હતો. સંતોએ ઠાકોરજીને ગંગાજળથી અભિષેક કર્યો હતો પછી પૂજ્યશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સર્વ ભક્તજનોને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું.

સાંજના સમયે મુનિજી મહારાજ તથા શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં ગંગાજીની ભવ્ય આરતી થઇ હતી.

(11:50 am IST)