મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

મુંબઇમાં મોંઘાદાટ મોલ્સ જેટલા જ સ્ટ્રીટ માર્કેટ પણ ફેમસઃ ભાવ કરાવતા આવડે તો શોપીંગમાં જલસો પડી જાય

આપણે એક વાત તો માનવી રહી કે મુંબઈમાં જેવી વસ્તુઓ મળે છે તેવી આખા દેશમાં બીજે ક્યાંય મળવી મુશ્કેલ છે. મુંબઈમાં મોંઘાદાટ મોલ્સ જેટલા સ્ટ્રીટ માર્કેટ પણ ફેમસ છે. પરંતુ બજારમાંથી ખરીદી કરવા માટે તમારી પાસે ભાવ કરાવવાની આવડત હોવી ખૂબ જરૂરી છે નહિં તો તમે 100 રૂપિયાની વસ્તુના 500 આપીને આવો તેવી પૂરેપૂરી શક્યતા છે. જો તમારી નજર પારખુ હોય અને તમને ભાવ કરાવતા આવડતા હોય તો જાણો મુંબઈમાં કઈ કઈ જગ્યાએ શોપિંગ કરવાનો તમને જલસો પડી જશે.

કોલાબા સ્ટ્રીટઃ

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા સ્ટ્રીટ માર્કેટમાં ફેશનેબલ જ્વેલરીથી માંડીને મોબાઈલ કવર સુધી બધું મળે છે. અહીં તમે ખરીદી કરવા જશો તો તમને ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ખરીદી કરતા જોવા મળશે. અહીં જે ઈમિટેશન ફેશનેબલ જ્વેલરી, કપડા કે જૂતા મળે છે તે દેશના બીજા શહેરોમાં પહોંચતા મહિનાઓ લાગી જાય છે. આથી કોલાબાથી તમે કંઈ પણ ખરીદશો તો લોકો તમારા વખાણ કરશે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. કોલાબા માર્કેટની ખાસિયત છે કે તમને ભાવ કરાવતા આવડવા જોઈએ. અહીં ચીજની જે કિંમત હોય તેના કરતા ઘણા વધારે ભાવ કહેવામાં આવે છે. ખાસ કરીને વિદેશી ટૂરિસ્ટ ઘણા છેતરાય છે. પરંતુ જો તમને ભાવ કરાવતા આવડતો હશે તો તમે 50-100 રૂપિયામાં પણ ઘણી યુનિક ચીજો ખરીદી શકશો.

કેવી રીતે જવાય: છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) અને ચર્ચ ગેટ બંને સ્ટેશનથી કોલાબા નજીક પડે છે. સ્ટેશનથી તમે ટેક્સીમાં માર્કેટ જઈ શકો.

ચોર બઝારઃ

મુંબઈમાં છેલ્લા 150 વર્ષથી માર્કેટ ધમધમે છે. તમને નામ સાંભળીને એવુ લાગતુ હશે કે અહીં ચોરીનો બધો માલ મળતો હશે પણ વાત ખોટી છે. અહીં ખૂબ અવાજ થતો હોવાથીશોર બઝારનામ આપવામાં આવ્યું હતું પરંતુ બ્રિટિશરો દ્વારા તેનુ ખોટુ ઉચ્ચારણ થતા માર્કેટનું નામ ચોર બઝાર પડી ગયુ. અહીં હેન્ડી ક્રાફ્ટ્સ, ધાતુની મૂર્તિઓ, ગ્રામોફોન જેવી અનેક એન્ટિક ચીજો, બોલિવુડની જૂની ફિલ્મોના પોસ્ટર જેવી અનેક સુંદર ચીજો અને વિન્ટેજ આઈટમ્સ મળે છે. અહીં દુકાનદાર કોઈપણ ચીજના મનફાવે તેવા ભાવ કહે છે. બારગેઈનિંગ આવડતુ હશે તો તમને વાજબી ભાવમાં અનેક સારી વસ્તુઓ મળી રહેશે.

લોકેશનઃ મટન સ્ટ્રીટ, એસ વી પટેલ અને મૌલાના શૌકત અલી રોડ, મહમ્મદ અલી રોડ નજીક, સાઉથ મુંબઈ

ક્રાફર્ડ માર્કેટઃ

ક્રાફર્ડ માર્કેટ પણ મુંબઈમાં શોપિંગ કરવા માટેની ઉત્તમ જગ્યા છે. જૂની સ્ટાઈલથી બનાવાયેલુ માર્કેટ છે. ક્રોકરી ખરીદવી હોય કે પછી બેગ્સ, ક્રાફર્ડ માર્કેટમાં બધું મળી રહે છે. અહીં મોટુ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે ઈમ્પોર્ટેડ આઈટમ્સ ખાસ્સા સસ્તા ભાવે ખરીદી શકો છો. જો કે અહીં છેતરપિંડીની પણ શક્યતા રહેલી છે. આથી માલ ખરીદતા પહેલા બે વાર ચેક કરવું જરૂરી છે. તમને સારા ભાવ કરાવતા આવડતા હશે તો તમે અહીં ચીઝ-બટરથી માંડીને સૂકા મેવા, ઈમ્પોર્ટેડ પરફ્યુમ્સ, કૉફી વગેરે MRP કરતા અડધા ભાવે ખરીદી શકશો. ક્રાફર્ડ માર્કેટની બહારના ભીડભાડ વાળા માર્કેટમાં ક્રોકરી, વાસણો, કપડા વગેરે ખૂબ સસ્તા ભાવમાં મળે છે.

લોકેશનઃ લોકમાન્ય તિળક માર્ગ, ધોબી તળાવ, ફોર્ટ વિસ્તાર, સાઉથ મુંબઈ. છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશનથી અહીં ટેક્સીમાં જઈ શકાશે.

મંગળદાસ માર્કેટ અને મૂળજી જેઠા માર્કેટઃ

જો તમારે કાપડ ખરીદવું હોય તો મુંબઈમાં બેસ્ટ માર્કેટ છે. એશિયાનું સૌથી મોટું કાપડનું માર્કેટ છે. અહીં લાંબી હરોળોમાં કાપડની દુકાનો આવી છે. અહીં તમને ઈચ્છો એવુ કાપડ મળી શકે છે જેમાંથી તમે પસંદગીની ડિઝાઈનના કપડા સીવડાવી શકો છો. અહીં પણ તમારે ભાવ કરાવવાની કળા કેળવવી પડશે અને છેતરપિંડીથી બચવું પડશે. અહીં કાપડ અને શાલ ઘણા સારા મળી રહે છે.

લોકેશનઃ ઝવેરી બજાર પાસે, કાલબા દેવી, સાઉથ મુંબઈ

સીપી ટેન્કઃ

કાસવાજી પટેલ ટેન્ક (સીપી ટેન્ક) વિસ્તાર ખાસ ઈમિટેશન જ્વેલરી અને બંગડીઓ માટે જાણીતો છે. અહીં તમને દરેક રંગની અને જાતજાતની બંગડીઓ મળી રહેશે. બસ તમારી સાડી કે ડ્રેસ લઈને ત્યાં પહોંચી જાવ અને તમે નિરાશ થઈને પાછા નહિં આવો. અહીં ઈમિટેશન જ્વેલરી પણ ઘણી સારી મળે છે.

લોકેશનઃ ભૂલેશ્વર રોડ, સાઉથ મુંબઈ

લિંકિંગ રોડઃ

ઓછા બજેટમાં ફેશનેબલ પર્સ, કપડા કે જૂતા ખરીદવા હોય તો મુંબઈમાં ખરીદી માટે બેસ્ટ જગ્યા છે. તમારે ઈન્ડિયન ડ્રેસ ખરીદવો હોય કે વેસ્ટર્ન પાર્ટી ડ્રેસ, બાંદ્રામાં આવેલા લિંકિંગ રોડ પરથી તને બધા પ્રકારના કપડા મળી રહેશે. અહીં પણ તમે જેટલો ભાવ કરાવશો એટલા ફાયદામાં રહેશો. બીજી વસ્તુ કે અહીં બ્રાન્ડેડ ચીજોની ફર્સ્ટ અને સેકન્ડ કોપી પણ વેચાય છે આથી અહીં છેતરપિંડીથી બચીને રહેજો. માર્કેટ ટ્રેડિશનલ કપડા, બાળકોના કપડા, શૂઝ, બેગ, બેલ્ટ્સ અને અન્ય ફેશન એક્સેસરીઝ માટે વખણાય છે.

લોકેશનઃ લિંકિંગ રોડ, બાંદ્રા વેસ્ટ

ફેશન સ્ટ્રીટઃ

અહીં 150 જેટલી દુકાનો આવેલી છે જ્યાં તમને વાજબી ભાવે ફેશનેબલ કપડા મળી રહેશે. અહીં મુંબઈના લેટેસ્ટ ટ્રેન્ડી કપડા અડધા ભાવે મળી રહે છે. આથી તેને ફેશન સ્ટ્રીટ કહેવામાં આવે છે. ટીનેજર અને કોલેજિયન્સને ફેશન સ્ટ્રીટનું ખાસ આકર્ષણ હોય છે. અહીં ડ્રેસીસ, ટોપ્સ, સ્કર્ટ્સ, જીન્સ, સ્પોર્ટ્સ વેર, ફૂટ વેર વગેરેની વિશાળ વેરાયટી મળી રહે છે. અહીં શોપિંગ કર્યા બાદ તમે નજીકમાં સ્ટ્રીટ ફૂડ પણ એન્જોય કરી શકો છો.

લોકેશનઃ આઝાદ મેદાન સામે, કરમવીર ભાઉરાવ પાટીલ માર્ગ, એમ.જી રોડ, સાઉથ મુંબઈ

(5:50 pm IST)