મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારનું 'સ્વર્ગ' ભારત છે? સટ્ટાખોરોનું ગઢ

ICCનો દાવો : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટાભાગના બુકીઓ ભારતમાં છે

લંડન તા. ૧૯ : ક્રિકેટની રમતમાં ગેરકાયદેસર પૈસાનો ગંદવાડ ફેલાવનાર આંતરરાષ્ટ્રીય બુકીઓ-સટ્ટાખોરો સૌથી વધારે કયા દેશમાં છે એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભ્રષ્ટાચાર-વિરોધી દળે શોધી કાઢ્યું છે. એમના મતે એ દેશ ભારત છે.

ક્રિકેટની રમતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે આઈસીસીનું એન્ટી-કરપ્શન યુનિટ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. એણે કેટલીક મોટી ટિપ્પણી પણ કરી છે. એણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા ભાગના બુકીઓ ભારતમાં છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે એણે એન્ટી-કરપ્શન યુનિટની આચારસંહિતાનો ભંગ કર્યો હતો.

શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર જયસૂર્યા પર ફિકિસંગનો આરોપ મૂકવામાં આવ્યો નથી, પરંતુ આઈસીસી દ્વારા શરૂ કરાયેલી તપાસમાં સહકાર ન આપવાનો એની પર આરોપ છે.

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની દ્વીપક્ષીય સીરિઝમાં ભ્રષ્ટાચારના આરોપોમાં હાલ તપાસ ચાલી રહી છે અને એના સંદર્ભમાં ભારતનું નામ ચમકયું છે.

એસીયૂના જનરલ મેનેજર માર્શલને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, દુનિયાના ઘણા ખરા ભાગોમાં મોટા ભાગે ભ્રષ્ટ ભારતીય બુકીઓ જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર દાનિશ કનેરિયાએ પણ છેક ૯ વર્ષે કબૂલ કર્યું છે કે એણે ૨૦૦૯માં ઈંગ્લેન્ડ કાઉન્ટી સ્પર્ધા વખતે સ્પોટ-ફિકિસંગ કૌભાંડ કર્યું હતું. એણે એ પણ કબૂલ્યું છે કે ભારતીય બુકી અનુ ભટ્ટ પાસેથી એણે લાંચ લીધી હતી.

આઈસીસીની એસીયૂ સંસ્થાએ નોંધ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલ ૧૨-૨૦ સક્રિય ભ્રષ્ટાચારીઓ છે. આમાં બે મહિલા પણ છે.

એસીયૂના અધિકારીઓએ આ બુકીઓના ફોટા ખેલાડીઓને બતાવી દીધા છે અને કહ્યું છે કે જો આમાંનું કોઈ પણ તમારો સીધો કે શંકાસ્પદ રીતે સંપર્ક કરે તો તરત અમને જાણ કરી દેવી.

(12:23 pm IST)