મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

મ્‍યાનમારના યાંગુન શહેરના તળાવની વચ્‍ચે આવેલા બૌદ્ધ મંદિરે સાપ લઇને આવતા ભાવિકો

યાંગૂન: મ્યાનમારના યાંગૂન શહેરમાં તળાવની વચ્ચે એક બૌદ્ધ મંદિર બનેલું છે. મંદિરની ખાસિયત છે કે અહીં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે સાથે એક અનોખી પરંપરાનું પણ પાલન કરે છે. શ્રદ્ધાળુઓ અહીં પોતાની સાથે સાપ લઈને આવે છે અને મંદિરમાં મૂકી જાય છે. લોકોનું માનવું છે કે આમ કરવાથી તેમની દરેક મનોકામના પૂરી થાય છે. સ્થાનિક લોકોએ મંદિરને સ્નેક ટેમ્પલ (સાપનું મંદિર) નામ આપ્યું છે.

સાપ આશીર્વાદ આપે છે

એક સ્થાનિકે જણાવ્યું કે, “ મંદિરમાં નિયમ છે કે લોકો મંદિરમાં એક વસ્તુ માંગી શકે છે તેનાથી વધુ નહિ. મંદિરના મુખ્ય રૂમમાં એક વૃક્ષ છે જેની નીચે ભગવાન બુદ્ધની પ્રતિમા છે. અહીં જમીન પર પડેલા સાપ વૃક્ષની ડાળીઓ પર થઈને ઉપર ચઢે છે. સાપ સામાન્ય સાપ નહીં પણ અજગર કે અન્ય ઝેરીલા સાપ હોય છે. માન્યતા છે કે સાપ આશીર્વાદ આપે છે.”

મંદિરમાં ફરતા હોય છે સાપ

મંદિરમાં ડઝનથી વધુ સાપ હંમેશા હોય છે. જમીન પર, બારીઓ અને દરવાજા ગમે ત્યાં ફરતા રહે છે. અહીં આવતા લોકો સાપની હાજરીમાં મંદિરમાં પ્રાર્થના કરે છે. ઘણા સાપ 2-3 મીટર લાંબા હોય છે. 45 વર્ષીય વિન મિંટે કહ્યું કે, “હું બાળપણથી મંદિરે આવું છું. હવે હું ઘરડો થઈ ગયો છું અને અહીં પ્રાર્થના કરવા આવ્યો છું. મારી ઘણી મનોકામનાઓ પૂર્ણ થઈ છે.”

દક્ષિણ એશિયામાં સાપનું વિશેષ મહત્વ

જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં એવા મંદિર છે જ્યાંનાગા’ (સાપનો સંસ્કૃત શબ્દ)નું ઘણું મહત્વ છે. અહીંના ઘણા મંદિરોમાં પ્રવેશ દ્વાર પર પથ્થરના સાપ બનાવાયા છે, જે મંદિરની ઓળખ છે. પરંતુ કોઈ મંદિરમાં આટલી મોટી સંખ્યામાં જીવિત સાપ હોય તે દુર્લભ છે. મંદિર ધ્યાનમાં બેઠેલા એક ભિક્ષુક સાધુની ઉપર સાપ લપેટાયેલા છે, જેને જોઈને મહાત્મા બુદ્ધની યાદ આવે છે જે ઝાડ નીચે બેસીને ધ્યાન કરતા હતા.

પુણ્યનું કામ

પુરાણો અનુસાર જ્યારે પણ વરસાદ પડતો ત્યારે નાગ ભગવાન બુદ્ધના માથા પર ફેણ ફેલાવીને ઊભો થઈ જતો જેથી વરસાદથી રક્ષણ આપી શકે. 30 વર્ષીય ખેડૂતનું માનવું છે કે, ખેતરમાંથી મળી આવતાં સાપને મારવાને બદલે મંદિરમાં લાવીને છોડી મૂકવામાં આવે તો પુણ્ય મળશે. બુદ્ધ ધર્મ અનુસાર દરેક પ્રાણી સમાન છે અને કોઈની પણ હત્યા કરવી પાપ છે.

 

 

(12:00 am IST)