મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામાન્ય દર્દી બનીને જતા ગાર્ડે ડંડો માર્યો

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામાન્ય દર્દી બનીને હોસ્પિટલ ગયા : આ અંગેની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી તો તેઓ પણ પરેશાન થઈ ગયા અને પૂછ્યું કે, શું ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા

નવી દિલ્હી,તા.૧૯ : આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતું કે, જ્યારે તેઓ સફદરજંગ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાતે ગયા ત્યારે, સિક્યિરિટી ગાર્ડે તેમને ડંડો માર્યો હતો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તેઓ સામાન્ય દર્દીના વેશમાં સફદરજંગ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને તેમને ગેટ પર સિક્યુરિટી ગાર્ડે ડંડો માર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અચાનક જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગુરુવારે સફદરજંગ હોસ્પિટલમાં ચાર આરોગ્ય સુવિધાઓના ઉદ્ઘાટન દરમિયાન તેમણે આ ઘટસ્ફોટ કર્યો હતો. માંડવિયાએ જણાવ્યું હતું કે, એક સામાન્ય દર્દી તરીકે તેમની અચાનક મુલાકાતમાં જ્યારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો અને તેમને ત્યાં બેસવા દીધા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમણે જોયું કે ઘણા દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય તબીબી સહાય મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એક ૭૫ વર્ષીય મહિલાનું ઉદાહરણ આપ્યું, જે પોતાના પુત્ર માટે સ્ટ્રેચર મેળવવા માટે ગાર્ડને કહી રહી હતી, પરંતુ તેમને તે પણ ન મળ્યું.

           તેઓ ગાર્ડની વર્તણૂકથી ખુશ ન થયા. આ અંગે તેમણે પૂછ્યું કે, હોસ્પિટલમાં ૧૫૦૦ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી એક પણ ગાર્ડે વૃદ્ધ મહિલાને કેમ મદદ ન કરી. પેરામેડિક્સ અને અન્ય સ્ટાફને તેમની ભૂમિકાની યાદ અપાવતા માંડવિયાએ કહ્યું કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ એક જ સિક્કાની બે બાજુ છે અને તેઓએ એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. માંડવિયાએ કહ્યું કે, તેમણે આ ઘટનાની જાણકારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી.

            તેઓ પણ આ સાંભળીને પરેશાન થઈ ગયા અને પૂછ્યું કે, શું ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે નહીં? જેના પર માંડવિયાએ કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી કારણ કે, તેઓ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત ચાર સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું જેમા કોરોનાવાયરસ દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવેલી અસ્થાયી હોસ્પિટલ પણ સામેલ હતી. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે ૪૪ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.

(7:36 pm IST)