મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

કોરોના કાળમાં માનવ તસ્કીમાં સંડાવાયેલા લોકો પગવારીને બેઠા નહોતા !!: માનવ તસ્કરીના અનેક ગુન્હા સામે આવ્યા

એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ એજન્સીએ આંકડા જાહેર કર્યા : દેહવ્યાપાર માટે યૌન શૌષણ મજુરી અને ઘરેલુ ગુલામ બનાવવાના કિસ્સાઓ ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેલંગણામાંથી સામે આવ્યા

કોરોના વાયરસ મહામારીના કારણે 2020માં પરિવહન અંગેના પ્રતિબંધોના કારણે ભલે સામાન્ય માણસો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મુશ્કેલ બન્યું હોય, માનવ તસ્કરોનો ધંધો તે સમયમાં પણ ઝાંખો નહોતો પડ્યો. NCRB દ્વારા જાહેર કરવામાં આવેલા 2020ના વર્તમાન રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (એએચટીયુ)ને માનવ તસ્કરી સાથે સંકળાયેલા 1,714 કેસ મળ્યા હતા. જ્યારે 2019માં આવા કેસની સંખ્યા 2,260 અને 2018માં 2,278 હતી.

રિપોર્ટ પ્રમાણે સરકારી એજન્સીઓમાં નોંધાયેલા મોટા ભાગના કેસ દેહ વ્યાપાર માટે યૌન શોષણ, બળજબરીથી મજૂરી અને ઘરેલુ ગુલામ બનાવવા સાથે સંકળાયેલા છે. માનવ તસ્કરીના સૌથી વધારે 184-184 કેસ મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી સામે આવ્યા હતા જ્યારે આંધ્ર પ્રદેશમાંથી 171, કેરળમાંથી 166, ઝારખંડમાંથી 140 અને રાજસ્થાનમાંથી 128 કેસ સામે આવ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે 2020માં નોંધાયેલા કેસમાં માનવ તસ્કરીનો શિકાર બનેલા 4,708 પીડિતોમાંથી 2,222 સગીર હતા. મતલબ કે તેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હતી. દેહ વ્યાપાર માટે ઉત્પીડનના 1,466 કેસ, બળજબરીથી મજૂરી માટેના 1,452 કેસ અને ઘરેલુ ગુલામીના 846 કેસ નોંધાયા હતા.

ડેટા પ્રમાણે માનવ તસ્કરીના માત્ર 10.6 ટકા કેસમાં જ આરોપીઓ પર આરોપ સિદ્ધ થઈ શક્યા છે જ્યારે 7 રાજ્યોમાં કોઈ જ કેસમાં દોષ સિદ્ધ નથી થઈ શક્યો. આરોપીઓને સજા અપાવવામાં તમિલનાડુ સૌથી આગળ રહ્યું જે 66 ટકા કેસમાં અભિયોજન દોષ સિદ્ધ કરવામાં સફળ રહ્યું. ત્યાર બાદ દિલ્હીમાં 40 ટકા કેસમાં સજા મળી છે.

(1:27 pm IST)