મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

પીએમ મોદીએ તમામ મંત્રાલયોના સચિવો સાથે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક: 4 કલાકની મિટિંગમાં આપ્યા સુચનો

સંબંધિત વિભાગમાં સચિવોની જેમ નહીં, પરંતુ નેતા તરીકે કામ કરવા અને યોજનાના અમલીકરણ પર ધ્યાન આપવા કહેણ

વડાપ્રધાન મોદી  સાથે તમામ મંત્રાલયોના સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થઈ અને 8 વાગ્યા પછી સમાપ્ત થઈ. આ દરમિયાન પીએમ મોદીએ તમામ સચિવોને તેમના સંબંધિત વિભાગમાં સચિવોની જેમ નહીં, પરંતુ નેતા તરીકે કામ કરવા કહ્યું છે. મંત્રાલયોના કામો અને યોજનાઓના અમલીકરણ પર વધુ ધ્યાન આપવાનું પણ કહ્યું.

તેમણે કહ્યું કે અમે આવી બેઠક અગાઉથી યોજવા માંગતા હતા, પરંતુ કોરોનાને કારણે તે શક્ય ન હતું. પીએમની સામે એક ડઝનથી વધુ સચિવોએ નીતિ સંબંધિત વિષયો અને તેમના સંબંધિત મંત્રાલયોના કામ પર તેમના વિચારો રાખ્યા. માનવામાં આવે છે કે સચિવ કક્ષાની બેઠક બાદ ટૂંક સમયમાં મોટો બ્યુરોક્રેટીક બદલાવ આવી શકે છે. પીએમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે.

આ પહેલા પણ 14 સપ્ટેમ્બરના રોજ તેમણે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજી હતી, જેમાં ઘણી નીતિઓ પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મંત્રી પરિષદ સાથે ‘ચિંતન શિબિર’નું આયોજન કર્યું હતું અને કહ્યું હતું કે સાદગી જ જીવન જીવવાની શૈલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં શાસન અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ કેવી રીતે લોકો સુધી વધારે અસરકારક રીતે પહોંચાડવામાં આવે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રી પરિષદની બેઠકમાં કુલ 15 લોકોએ પોતાના મંતવ્યો આપ્યા હતા. બેઠકમાં ટાઈમ મેનેજમેન્ટને લઈને મંત્રીઓને યુક્તિઓ જણાવવામાં આવી હતી. સાથે – સાથે સિંપલ લીવીંગ એન્ડ હાઈ થીંકીંગનો મંત્ર પણ આપવામાં આવ્યો હતો. આ ક્રમમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં શાસન અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. પોતાના ગુજરાતના દિવસોને યાદ કરીને પીએમ મોદીએ ટિફિન મીટિંગ્સ વિશે વાત કરી હતી, જ્યાં દરેક લોકો બેઠકોમાં પોતાના ટિફિન લાવતા હતા અને ભોજનની સાથે સાથે વિચારો પણ એકબીજા સાથે વહેંચતા હતા.

 

આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના ઓડિટોરિયમમાં થઈ હતી અને લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી. પ્રધાનમંત્રી મોદી નિયમિત રીતે મંત્રી પરિષદની બેઠકો યોજે છે, જેમાં મંત્રીઓ મહત્વના મુદ્દાઓ પર મંત્રી પરિષદ આપે છે. આ બેઠકો મંત્રીઓને વિવિધ કલ્યાણ યોજનાઓ વિશે નવીનતમ માહિતી મેળવવામાં મદદ કરે છે. ગયા મહિને મળેલી મંત્રી પરિષદની બેઠકમાં તમામ પ્રધાનો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમો માટે નવા વિચારો (Idea) માંગવામાં આવ્યા હતા.

(1:00 am IST)