મુખ્ય સમાચાર
News of Saturday, 19th September 2020

કોરોના વાયરસથી સંક્રમિત થશે ૪૦૦ કરોડ લોકો

ચીનના વૈજ્ઞાનિક સનસનાટી મચાવે છે : વાયરસ ૭૦ ટકા વસ્તીને અસર કરી શકે છે : વાયરસથી ૭ કરોડ લોકોના મોત થશે : બચવાનો એકમાત્ર રસ્તો વેકસીન છે

બીજીંગ તા. ૧૯ : કોરોના વાયરસના ફેલાવા માટે વિશ્વ ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે ત્યારે ચીનના જાણીતા વૈજ્ઞાનિક ઝોંગ નાનશાને ચેતવણી આપી છે કે જો કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં નહી આવે તો વિશ્વના ૬૦ થી ૭૦ ટકા લોકોને એટલે કે ૪ અબજ લોકોને સંક્રમણ થવાની શકયતા છે એટલું જ નહી સંક્રમિત લોકોમાંથી ૭ ટકા જેટલા લોકોના એટલે કે ૩૦ કરોડ લોકોના મોત થશે. આ કોરોના વાયરસથી બચવાનો એક માત્ર રસ્તો વિશ્વમાં સામૂહિક રસીકરણનો છે.

હર્ડ ઇમ્યૂનિટી મેળવવાનો એક માત્ર રસ્તો રસીકરણ જ છે. એટલું જ નહી કોરોના મહામારી આગામી શિયાળો જ નહી ઉનાળાની સિઝન સુધી પણ ચાલું જ રહેવાની છે. દુનિયામાં સામૂહિક રસીકરણ માટે રસી શોધાયા પછી બે વર્ષ કરતા પણ વધુ સમય લાગવાનો છે. ચીનની અન્ય એક કોરોના વેકસીનની સંશોધક ચેન વેઇએ કહયું કે કોરોના વાયરસમાં આવી રહેલા પરીવર્તનની વેકસીન સંશોધન પર કોઇ જ અસર થઇ નથી. ચીન ટુંક સમયમાં જ ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના કિલનિકલ ટ્રાયલ શરૂ કરશે. ચીની વૈજ્ઞાાનિકે કોરોના સંક્રમણનો આંકડો વિશ્વમાં ૩ કરોડને પાર કરી ગયો છે એવા સમયે આપ્યો છે. અત્યાર સુધી વિશ્વમાં ૯.૫૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. કોરોનાની રસીના સંશોધન માટે વિશ્વમાં ૨૦૦થી વધુ સ્થળે પ્રયાસ થઇ રહ્યા છે. રશિયાએ કલિનિકલ ટ્રાયલ પુરા કરીને રસી શોધવાનો દાવો કર્યો છે એટલું જ નહી તેનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે પરંતુ રસી શોધાય અને તેનું ઉત્પાદન થાય તેના કરતા પણ તે કેટલી કારગત નિવડે છે તે વધારે મહત્વનું છે.

(3:34 pm IST)