મુખ્ય સમાચાર
News of Saturday, 19th September 2020

" યુ.પી.એસ.સી.જેહાદ " : સુદર્શન ટી.વી.ઉપર દર્શાવાતા શો ઉપર પ્રતિબંધ મુકવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ : મુસ્લિમ સ્ટુડન્ટ્સને કોચિંગ આપતી સંસ્થા ISIS પાસેથી ફંડ મેળવે છે : સુદર્શન ટી.વી.ની દલીલ : આ માટે દરેક મુસ્લિમ સ્ટુડન્ટ પ્રત્યે ધિક્કારની લાગણી ફેલાવી સમગ્ર કોમને નિશાન બનાવવી વ્યાજબી નથી : ખંડપીઠનો જવાબ : આગામી સુનાવણી 21 સપ્ટેમ્બર ઉપર : ત્યાં સુધી શો ઉપર પ્રતિબંધ યથાવત

ન્યુદિલ્હી :  સુદર્શન ટી.વી.ઉપર દર્શાવાતા " યુ.પી.એસ.સી.જેહાદ " શો વિરુદ્ધ પિટિશન દાખલ કરાતા બંને પક્ષોની દલીલો સાંભળવાનું સુપ્રીમ કોર્ટમાં શરૂ કરાયું   છે. સુદર્શન ટી.વી.ના એડવોકેટે  પ્રેસ ફ્રીડમ ,તથા અમુક ચોક્કસ કોમ સમાજ સાથે સુસંગત રહેતી નથી તેવી દલીલો કર્યા  બાદ પિટિશન દાખલ કરનારના એડવોકેટની સુનાવણી નામદાર કોર્ટના ન્યાયધીશ શ્રી ડીવાય ચંદ્રચુડ,શ્રી કે.એમ.જોસેફ ,તથા સુશ્રી ઇન્દુ મલ્હોત્રાની ખંડપીઠ સમક્ષ કરાઈ હતી.
જે મુજબ પિટિશનરના એડવોકેટે જણાવ્યું હતું કે મુસ્લિમ સ્ટુડન્ટ્સ યુ.પી.એસ.સી.પરીક્ષા આપે તો તેને તમે તમામ મુસ્લિમ કોમ્યુનિટીના ષડયંત્ર સમાન ગણી લ્યો છો.તથા તેને આઈએસઆઈએસ સાથે જોડાયેલા ગણાવો છો.કોઈ પણ મીડિયાને કોઈ ચોક્કસ કોમને ટાર્ગેટ બનાવવાનો અધિકાર આપી શકાય ખરો ?
જેના અનુસંધાને નામદાર ન્યાયધીશોએ જણાવ્યું હતું કે મીડિયા કોઈ ચોક્કસ કોમને ટાર્ગેટ બનાવી શકે નહીં.દેશમાં જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે.અમે દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં માનીએ છીએ સાથોસાથ દરેકનું સ્વમાન અને સન્માન પણ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ.
ખંડપીઠે ઉમેર્યું હતું કે એક શો જોયા પછી અમને લાગ્યું કે એમાં અર્ધસત્ય દર્શાવી કોઈ ચોક્કસ કોમ ટાર્ગેટ થતી  જોવા મળી છે.એકબાજુ આપણે ઓબીસી માટે 50 ટકાની અનામતમાં સમાવિષ્ટ  મુસ્લિમોને આગળ લાવવા માંગીએ છીએ અને બીજી બાજુ યુ.પી.એસ.સી.માં તેમના શામેલ થવા સામે વિરોધ દર્શાવીએ છીએ.
યુપીએસસી પરીક્ષા માટે કોચિંગ ચલાવતી સંસ્થા ISIS  પાસેથી ફંડ મેળવે છે તેવી સુદર્શન ટી.વી.ની દલીલના જવાબમાં નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આ માટે સમગ્ર કોમ્યુનિટીને જવાબદાર ગણાવી શકાય નહીં.પરીક્ષા આપતા દરેક મુસ્લિમ સ્ટુડન્ટ માટે ધિક્કારની લાગણી ફેલાવી શકાય નહીં.શો દ્વારા ફેલાવાઈ રહેલી ચોક્કસ કોમ પ્રત્યે ધિક્કારની લાગણી વ્યાજબી નથી.
આગામી સુનાવણી 21 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.ત્યાં સુધી શો ઉપરનો પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ અપાયો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:22 am IST)