મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતઃ બસ કન્ટેઈનર ટ્રકની ટક્કરમાં ૧૩ના ઘટના સ્થળે જ મોતઃ ૨૦ ઘાયલ

નવી દિલ્હી, તા.૧૯: મહારાષ્ટ્રના ધૂલેમાં રવિવારે રાતે મોટો અકસ્માત સર્જાયો. જેમાં ૧૩ લોકોના મોત થયા. જયારે ૧૫થી ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અકસ્માતનો ભોગ બની. આ બસ ઔરંગાબાદથી ધૂલે તરફ જઈ રહી હતી. તે સમયે તેની ટક્કર સામેથી આવતા એક કન્ટેઈનર ટ્રક સાથે થઈ. જેમાં ૧૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયાં. ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રેસ્કયુ ઓપરેશન દ્વારા દ્યાયલો અને મૃતદેહોને બસથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ માટે રવાના કર્યાં. જયાં કેટલાક લોકોની હાલત ગંભીર છે. પોલીસે આશંકા વ્યકત કરી છે કે હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે. જો કે ડોકટર તેમની સારવાર કરી રહ્યાં છે. પરંતુ ડોકટરોએ હાલ કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.

મળતી માહિતી મુજબ દુર્ઘટના રવિવારે રાતે ૧૦.૩૦ કલાકે શાહદા-ડોંડીચા માર્ગ પર નિમગુલ ગામ પાસેની છે. જયાં મુસાફરોને લઈને ઔરંગાબાદથી ધૂળે જિલ્લા તરફ જઈ રહેલી બસની ટક્કર સામેથી આવતા કન્ટેઈનર ટ્ર્ક સાથે થઈ. ત્યારબાદ બસ બેકાબુ બનીને પલટી ગઈ અને અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયાં.(૨૩.૮)

 

(1:01 pm IST)